ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ યોજના અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારે વડોદરા, સુરત અને રાજકોટમાં મેટ્રોરેલ યોજના માટેની દરખાસ્ત કેન્દ્રમાં મોકલીને સ્વિકૃતિ મેળવી લીધી છે પરંતુ આ ત્રણ મેટ્રો રેલ માટે સરકાર પાસે રૂપિયા નથી. હાલની સ્થિતિએ જો ત્રણ રાજ્યોમાં મેટ્રોરેલ બનાવવાનું શરૂ કરવામાં આવે તો સરકારને 40 હજાર કરોડ રૂપિયાની આવશ્કતા રહે છે.
અમદાવાદ મેટ્રોરેલનો પ્રોજેક્ટ 2004માં મંજૂર થયો હતો પરંતુ તેની કામગીરી 2012 પછી શરૂ કરવામાં આવી હતી. એટલે કે છેલ્લા આઠ વર્ષમાં હજી આ મેટ્રોરેલ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના આદેશ પછી ગુજરાત ઝડપ કરાવતાં મેટ્રોરેલ વિધાનસભાની ચૂંટણીના વર્ષ 2022માં શરૂ થાય તેવા એંધાણ છે પરંતુ અન્ય ત્રણ રાજ્યોની મેટ્રો રેલ માટે સરકાર પાસે નાણાં નથી.
અમદાવાદ મેટ્રોરેલ માટે જાપાન સરકારના નાણાં લેવામાં આવ્યા છે પરંતુ રાજ્યના અન્ય ત્રણ શહેરો—વડોદરા, સુરત અને રાજકોટ માટે નાણાકીય આયોજન અંગે વિચારણા કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જો ત્રણ શહેરોમાં મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવો હોય તો સરકારે 40 હજાર કરોડ રૂપિયા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એટલે કે પીપીપી મોડથી મેળવવા પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મેટ્રોરેલનું કામ પહેલાં અનિલ અંબાણીની કંપનીને આપવાનું હતું પરંતુ છેવટે કંપની ખસી જતાં ગુજરાત સરકારે જાતે જ આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવું પડ્યું છે.
ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ પછી સુરત, રાજકોટ અને વડોદરામાં મેટ્રોરેલ પ્રોજેક્ટ શરૂ કરવાની ગુજરાત સરકારની ખ્વાઇશને કેન્દ્રની મોદી સરકારે પૂર્ણ કરી છે. કેન્દ્રએ મેટ્રોરેલ માટે અલગ પોલિસી બનાવતાં ગુજરાતના અન્ય શહેરોમાં મેટ્રોરેલનું આયોજન થઇ શકશે. જો કે ગુજરાત સરકાર માટે બજેટ નહીં હોવાથી ગુજરાત સરકારની ઇચ્છા મેટ્રોરેલના પ્રોજેક્ટ્સને પીપીપી મોડમાં લઇ જવાની છે.
ભારત સરકાર ઇચ્છે છે કે મેટ્રોરેલમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આવે, એટલે કે ખાનગી રોકાણકારો માટે મોટી તક ખુલી છે. નવા મેટ્રો પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની સહાયનો લાભ મેળવવા જાહેર ખાનગી ભાગીદારી-પીપીપી ફરજીયાત બનાવવામાં આવ્યું છે. ખાનગી સંસાધનો, કુશળતા અને ઉદ્યોગ સાહસિકતાનો આ પ્રોજેક્ટમાં હવે બહોળા પ્રમાણમાં ઉપયોગ થઇ શકશે.
અત્યારે અપર્યાપ્ત ઉપલબ્ધતા અને છેવાડાના વિસ્તારોમાં જોડાણની અસુવિધાને ધ્યાનમાં રાખીએ તો, નવી નીતિ મેટ્રો સ્ટેશનની કોઈ પણ બાજુ પર પાંચ કિમીના કેચમેન્ટ એરિયા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું સુનિશ્ચિત કરવા ઇચ્છે છે, જે માટે રાજ્ય સરકારોને ફીડર સર્વિસ, વોકિંગ અને સાઇકલિંગ પાથવેઝ અને પેરા-ટ્રાન્સપોર્ટ સુવિધાઓ પ્રસ્તુત કરવા જેવા નોન-મોટરાઇઝ ટ્રાન્સપોર્ટ માળખાં મારફતે છેવાડાના જોડાણની જરૂરિયાતો પ્રદાન કરવા પ્રોજેક્ટ્સ રિપોર્ટ્સમાં કટિબદ્ધતા વ્યક્ત કરવાની જરૂર પડશે. નવા મેટ્રો પ્રોજેક્ટ્સની દરખાસ્તો રજૂ કરનાર રાજ્ય સરકારોને પ્રોજેક્ટ રિપોર્ટમાં આ પ્રકારની સેવાઓ માટે જરૂરી દરખાસ્તો અને રોકાણોનો આધાર આપવાનો રહેશે.
મેટ્રો પ્રોજેક્ટ્સના મહત્વપૂર્ણ સામાજિક, આર્થિક અને પર્યાવરણીય લાભની નોંધ લઈને નીતિમાં વૈશ્વિક પદ્ધતિઓને અનુસરીને મેટ્રો પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા વર્તમાન 8 ટકા વળતરના નાણાકીય આંતરિક દરથી 14 ટકા વળતરના આર્થિક આંતરિક દરમાં સ્થળાંતરિત થવાનું જણાવવામાં આવ્યું છે.
મેટ્રો પ્રોજેક્ટ્સની નાણાકીય વાયાબિલિટી સુનિશ્ચિત કરવા ઇચ્છતી નવી મેટ્રો રેલ નીતિમાં રાજ્ય સરકારોએ પ્રોજેક્ટ રિપોર્ટમાં સ્પષ્ટ સંકેત આપવો પડશે કે તેણે સ્ટેશનો અને અન્ય શહેરી જમીન પર વાણિજ્યિક/પ્રોપર્ટી વિકસાવવા માટે કયા પગલાં લીધા છે તથા જાહેરાતો, જગ્યાને ભાડાપટ્ટે આપવા વગેરે મારફતે ભાડા સિવાયની મહત્તમ આવક પેદા કરવા અન્ય કયા માધ્યમોનો ઉપયોગ કર્યો છે, જેને કાયદાકીય સમર્થન પ્રાપ્ત હોવું જરૂરી છે. રાજ્ય સરકારોને તમામ જરૂરી મંજૂરીઓ મેળવવી પણ પડશે.
અત્યારે દેશના આઠ શહેરોમાં કુલ 370 કિમીની કુલ લંબાઈ ધરાવતા મેટ્રો પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેમાં દિલ્હી (217 કિમી), બેંગાલુરુ (42.30 કિમી), કોલકાતા (27.39 કિમી), ચેન્નાઈ (27.36 કિમી), કોચી (13.30 કિમી), મુંબઈ (મેટ્રો લાઇન 1 – 11.40 કિમી, મોનો રેલ ફેઝ 1 – 9.0 કિમી), જયપુર – 9.0 કિમી અને ગુરુગ્રામ (રેપિડ મેટ્રો – 1.60 કિમી).
13 શહેરોમાં કુલ 537 કિમીના મેટ્રો પ્રોજેક્ટ્સ નિર્માણાધિન છે, જેમાં આઠ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મેટ્રો સેવાઓ મેળવનારા નવા શહેરો માં હૈદરાબાદ (71 કિમી), નાગપુર (38 કિમી), અમદાવાદ (36 કિમી), પૂણે (31.25 કિમી) અને લખનૌ (23 કિમી)નો સમાવેશ થાય છે.
જ્યારે 10 નવા શહેરો સહિત 13 શહેરોમાં કુલ 595 કિમીની લંબાઈ ધરાવતા મેટ્રો પ્રોજેક્ટ્સ આયોજન અને મૂલ્યાંકનના વિવિધ તબક્કાઓમાં છે. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી મેટ્રો ફેઝ 4-103.93 કિમી, દિલ્હી એન્ડ એનસીઆર – 21.10 કિમી, વિજયવાડા – 26.03 કિમી, વિશાખાપટનમ – 42.55 કિમી, ભોપાલ – 27.87 કિમી, ઇન્દોર – 31.55 કિમી, કોચી મેટ્રો ફેઝ 2 – 11.20 કિમી, ગ્રેટર ચંદીગઢ રિજન મેટ્રો પ્રોજેક્ટ – 37.56 કિમી, પટણા – 27.88 કિમી, ગૌહાટી – 61 કિમી, વારાણસી – 29.24 કિમી, થિરુવનંતપુરમ અને કોઝિકોડ (લાઇટ રેલ ટ્રાન્સપોર્ટ) – 35.12 કિમી અને ચેન્નાઈ ફેઝ 2 – 107.50 કિમીનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અમદાવાદ પછી સુરત અને રાજકોટનો મેટ્રોરેલનો પ્રોજેક્ટ બનાવી રહી છે ત્યારે તેની દરખાસ્તો મ્યુનિસિપલ કમિશનરોએ ગુજરાત સરકારને આપી છે. આ ત્રણેય મેટ્રો પ્રોજેક્ટનો ખર્ચ 40 હજાર કરોડ રૂપિયા થાય છે. રાજ્ય સરકારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અગાઉ ગાંધીનગરને બાદ કરી દીધું હતું પરંતુ કેન્દ્ર સરકારે મંજૂરી આપતાં હવે ગાંધીનગરમાં મેટ્રોરેલનું કામ શરૂ કરવામાં આવનાર છે. ગાંધીનગરના પ્રોજેક્ટ માટે સરકારને 6500 કરોડ રૂપિયાની આવશ્યકતા રહેશે.
રાજ્યના સુરત અને રાજકોટમાં મેટ્રોરેલ દોડાવવા માટે સરકારે પીપીપી મોડલ પર નજર દોડાવી છે. રાજ્યના મહાનગરોના કમિશનરોને પણ કહેવામાં આવ્યું છે કે પીપીપી મોડથી કોઇ કંપની તૈયાર કરવા માગતી હોય તો તેને પ્રોજેક્ટ આપી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સરકારે માત્ર દેશના જ નહીં વિશ્વના ઉદ્યોગજૂથોને આમંત્રણ આપવાનું નક્કી કર્યું છે.