બારડોલી : બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠનો અશ્લીલ વિડીયો વાઇરલ થવાની ઘટનાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મહામંત્રી સ્વાતિ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાને લેખિતમાં ફરિયાદ કરી પગલાં લેવાની માગ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર ગત દિવસો દરમ્યાન સોશ્યલ મીડિયા સાઇટ ફેસબુકના મેસેંજર પર વિડીયો કોલ કરી છેતરપિંડી કરતી ટોળકીના અનેક લોકો ભોગ બન્યા હતા અને તેના વિડીયો વાઇરલ થતાં બારડોલી પંથકમાં ચકચાર મચી ગઈ હતી.સૌથી વધુ ચકચાર બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક દક્ષેશ શેઠનો વિડીયો વાઇરલ થયો ત્યારે મચી હતી. નગરસેવકની અશ્લીલ હરકતો સામે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો હતો.દરમ્યાન આ મામલે બારડોલી શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી હોદ્દા પરથી દૂર કેમ ન કરવા તે અંગેની શોકોઝ નોટિસ આપવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી.દરમ્યાન કોંગ્રેસ આ મુદ્દે વધુ એક વખત સક્રિય થયું છે.બારડોલીમાં વોર્ડ નંબર 1માંથી નગરસેવકના ઉમેદવાર રહેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સ્વાતિ પટેલ દ્વારા દક્ષેશ શેઠને કાયમી ધોરણે હોદ્દા પરથી બરખાસ્ત કરવા અંગે જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત કરી છે.જેમાં તેમણે જણાવ્યુ છે કે, આવી ઘટનાની બારડોલી નગરપાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે અને સમાજમાં એક સારો સંદેશ તેમજ દાખલો બેસાડવા માટે નગરપાલિકા સદસ્ય દક્ષેશ શેઠને કાયમી ધોરણે બરખાસ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.આ ઉપરાંત 8મી જૂનના રોજ શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને દક્ષેશ શેઠને હોદ્દા પરથી દૂર કેમ ના કરવા તે બદલની નોટિસ ફટકારવા માટે વિનંતી કરતી અરજી આપી હતી તેમાં શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ મેળવવા માટે પણ જણાવવામાં આવ્યું છે.