સુરતમાં વધુ એક સ્કૂલની દાદાગીરી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી વ્હાઈટ લોટસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.આ સાથે સ્કૂલ દ્વારા પુરી ફી ભરવા દબાણ કરાઈ રહ્યું હોવાનું હવે વાલીઓ કહી રહ્યા છે.જેને લઈને વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.જ્યાં ડીઈઓ અને સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
ફીને લઈ ઓનલાઇન અભ્યાસ પણ બંધ કર્યા
વાલીઓએ જણાવ્યું હતું કે,ફી નિયમ કરતા વધુ ભરવા કહેવાય રહ્યું છે. ફીને લઈ શાળામાં બાળકો સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે.ફીને લઈ ઓનલાઇન અભ્યાસ પણ બંધ કરી દેવાયો છે. જો તમે ફી ભરશો તો જ તમારા બાળકનું સેમેસ્ટર ચાલુ કરીશું અને તેને પરીક્ષામાં બેસવા દઈશું એમ કહેવાય રહ્યું છે.વાલીઓ સરકારના નિયમ પ્રમાણે ફી ભરવા તૈયાર છે. જોકે,સ્કૂલ દ્વારા અન્ય ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. હજુ બંધ કરેલા ઓનલાઈન ક્લાસ પણ શરૂ કર્યા નથી. આ મામલે પહેલા પણ સ્કૂલ ખાતે વિરોધ કરી ચૂક્યા છીએ.
અનેક રજૂઆત છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી
વ્હાઈટ લોટસ સ્કુલના વાલીઓએ જણાવ્યું હતું કે,શાળા દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.ઉપરાંત શાળા દ્વારા પૂરી ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.શાળાઓની દાદાગીરી સામે તેઓ અનેક રજૂઆતો કરી છે. ડીઈઓ કચેરી, એફઆરસી કચેરીના વારંવાર ધક્કા ખાઈ રહ્યા છીએ તેમ છતાં તેઓની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
ફી બાબતે ઘણી શાળાની સામે વિરોધ
શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી શાળાઓ સામે વાલીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોરોના કાળમાં વાલીઓ ફી ન ભરી શકતા હોવાના બહાના ધરીને વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ શાળાઓ દ્વારા ફી ન ભરનારના ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યાં છે. થોડી દિવસોમાં જ સચીન,પાંડેસરાની સ્કૂલના વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ફી માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.


