– નાનકડા બૉલ બેરિંગ પણ વાપરવામાં આવ્યા હતા, વિસ્ફોટનું તારણ
નવી દિલ્હી તા.30 : પાટનગર નવી દિલ્હીમાં આવેલા ઇઝરાયેલી રાજદૂતાવાસ નજીક શુક્રવારે સાંજે થયેલા આઇઇડી વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટ અને નાનકડા બૉલ બેરિંગ્સનો ઉપયોગ થયો હશે એવા તારણ પર તપાસકર્તા એજન્સી આવી હતી.શુક્રવારે સાંજે ઇઝરાયેલી રાજદૂતાવાસ નજીકના જિંદલ હાઉસ પાસે વિસ્ફોટ થયો હતો. ઇઝરાયેલ સરકારે એને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું.તપાસ કરનારી ટુકડીને સોફ્ટ ડ્રીન્કના કેનના થોડાક ટુકડા પણ મળ્યા હતા. આ કેન દ્વારા વિસ્ફોટક તૈયાર કરાયો હતો.
યોગાનુયોગે આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે રાજદૂતાવાસના બધા કર્મચારીઓ કામ પૂરું કરીને ઘેર પાછા ચાલ્યા ગયા હતા.તપાસ કરનારી એક ટુકડી માને છે કે ડર અને દહેશત ફેલાવવા આ વિસ્ફોટ કરાયો હતો.આ વિસ્ફોટ પ્રેસરના કારણે ફાટેલા બોંબથી થયો હતો.એને કારણે નજીકમાં રહેલી કેટલીક મોટરકારની બારીના કાચ પણ તૂટી ગયા હતા.
બોંબ પર ઇઝરાયેલી રાજદૂત એમ લખેલું હતું.આવું લખવાનું કારણ શું હતું એ સ્પષ્ટ થયું નથી.જો કે પોતાના રાજદૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટના પગલે ઇઝરાયેલ અપસેટ થયું હતું.આ વિસ્ફોટની તપાસ કરવા ઇઝરાયેલ પોતાના ચુનંદા જાસૂસોની એક ટુકડી મોકલી રહ્યું હોવાની જાણકારી મળી હતી.મોટે ભાગે ઇઝરાયેલી ટુકડી આજે નવી દિલ્હી પહોંચવાની ધારણા છે.આ લોકો પોતાના કર્મચારીઓ ઉપરાંત દિલ્હીમાં વસતા ઇઝરાયેલી નાગરિકો સાથે પણ વાતચીત કરશે.
એક વાત ચોક્કસ હતી.જે રીતે વિસ્ફોટ કરાયો હતો એની પાછળ લોકોને ભયભીત કરવાનો હેતુ હશે. જો હત્યાઓ કરવી હોય તો રાજદૂતાવાસ ચાલુ હતું ત્યારે વિસ્ફોટ કરાયો હોત એમ તપાસ કરનારી એજન્સીઓ માને છે.અત્યારે દિલ્હીમાં ખેડૂત આંદોલનના કારણે એક પ્રકારનું ટેન્શન પ્રવર્તી રહ્યું હતું.તપાસ પૂરી થયા બાદ કદાચ વધુ માહિતી પ્રગટ થશે