– કોરોના-લોકડાઉનને કારણે શ્રમિકોની ઘરવાપસીથી ઉદ્યોગ-ધંધા ‘લકવાગ્રસ્ત’ : શ્રમિકો વગર કામ કેમ શરૂ કરવું? ઉદ્યોગોને ચિંતા : ગુજરાતના ઉદ્યોગોમાં કામ કરતાં પરપ્રાંતીય મજુરોની સંખ્યા ૫૦ ટકા સિરામિક, હીરા, બાંધકામ, એન્જીનીયરીંગ ઉદ્યોગો મુશ્કેલીમાં
નવી દિલ્હી, તા.૭: પરપ્રાંતિય મજૂરો તેમના વતનભેગા થઈ જતાં હવે રાજયમાં ઉદ્યોગો શરુ કરવામાં મોટી મુશ્કેલી આવી રહી છે.લોકડાઉન ખૂલી જાય તો પણ યુપી,બિહાર અને ઓડિશાના મજૂરો પાછા ના આવે ત્યાં સુધી ઉદ્યોગો તેમની પૂર્ણ ક્ષમતાથી ધમધમતા કરવા મુશ્કેલ છે.પોતાના વતન ગયેલા મજૂરો ચોમાસામાં ખેતીમાં લાગી જશે,અને તેમનું પાછા આવવું ઓર મુશ્કેલ બનશે.આ સ્થિતિમાં ઉદ્યોગકારો માની રહ્યા છે કે,હવે દિવાળી પછી જ પ્રોડકશનની ગાડી પાટે ચઢી શકે તેમ છે.સુરતની ટેકસ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ૧૨-૧૪ લાખ પરપ્રાંતિય કામદારો કામ કરે છે.જેમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જતા રહ્યા છે,અને જે બચ્યા છે તે પણ અહીં રહેવા નથી માગતા.સિરામિક ઈન્ડસ્ટ્રી,બાંધકામ ઉદ્યોગ,એન્જિનિયરિંગ ટૂલ્સ તેમજ અન્ય ઉદ્યોગોની પણ આ જ સ્થિતિ છે.ગુજરાતમાં વિવિધ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા પરપ્રાંતિયોનું પ્રમાણ ૫૦ ટકાથી પણ વધારે છે.અમદાવાદની સેન્ટર ફોર ડેવલપમેન્ટ અલ્ટરનેટિવ્ઝના ડિરેકટર અને ઈકોનોમિકસના પ્રોફેસર ઈન્દિરા હીરવેનું કહેવું છે કે,મજૂરોને તેમની ગરીમા જળવાય તે રીતે સાચવવા જરુરી હતા,પરંતુ લોકડાઉનમાં તેવું કશુંય નથી થઈ શકયું.દેશમાં સૌથી વધુ પરપ્રાંતિયોની સંખ્યા ધરાવતા સુરતમાં વિશ્વના ૯૦ ટકા હીરા પ્રોસેસ થાય છે.હીરા ઉદ્યોગમાં ૭ લાખ લોકો જોડાયેલા છે.જેમાંથી ૧૦ ટકા અન્ય રાજયોના છે.જોકે, ૭૦ ટકાથી વધુ રત્ન કલાકારો સૌરાષ્ટ્રના છે,અને તેઓ પણ ઉચાળા ભરી વતન જવા લાગ્યા છે.
સુરતની એક ટોચની હીરાની પેઢી સાથે સંકળાયેલા એક વ્યકિતએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે,આગામી મહિનાઓ સુધી સ્થિતિ સામાન્ય થવાની કોઈ શકયતા હાલ નથી દેખાતી.ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળની ટેકસ્ટાઈલ કમિટિ ફેડરેશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તારાચંદ કસાટ પણ કંઈક આવો જ ભય વ્યકત કરે છે.તેમનું કહેવું છે કે,પરપ્રાંતિયો ખૂબ જ ગુસ્સામાં છે.૪૦ દિવસ સુધી તેમણે ખૂબ જ તકલીફો ભોગવી છે.તેમના જવાથી ૧૫ ટકા જેટલો ધંધો કાયમ માટે ખતમ થઈ જશે તેવો ડર છે.જે પરપ્રાંતિયો વતન ચાલ્યા ગયા છે તેમાના મોટાભાગના દિવાળી પછી જ પરત ફરે તેવી શકયતા છે.લોકડાઉનમાં કામધંધા ઠપ્પ થઈ જવાથી સુરતની ટેકસ્ટાઈલ ઈન્ડસ્ટ્રી દર મહિને ૧૧,૫૦૦ કરોડનું નુકસાન કરી રહી છે.જોકે,લોકડાઉન ખૂલી જાય ત્યારબાદ પણ પરપ્રાંતિય કામદારોની ગેરહાજરીમાં વેપાર-ધંધા ચલાવવા જરાય સરળ નહીં હોય.


