ભારતમાં કોરોના વાયરસ સંક્રમિત કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. જેથી દેશ પર કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ ઝળુંબી રહ્યું છે. આ તબક્કાને ત્રીજુ સ્ટેજ કહેવામાં આવે છે. નિષ્ણાંતોનું પણ માનવું છે કે, ભારત હવે ઈટાલીની માફક ધીમે ધીમે ત્રીજા સ્ટેજ તરફ આગળ વધી રહ્યું છે. જોકે સમગ્ર ચિત્ર તો 14મીએ જ્યારે લોકડાઉનનો સમયગાળો વધશે ત્યારે જ જાહેર થશે.
નિષ્ણાંતોએ ચેતવની આપી છે કે, ભારતમાં જે રીતે કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે લગભગ ઈટાલી જેવો જ દેખાઈ રહ્યો છે. લોકડાઉનના નિર્ણયના કારણે માત્ર સમયગાળાનો જ તફાવત છે.
ભારતમાં કોરોના વાઈરસના કેસ અને તેનાથી થતા મોતની સંખ્યા પ્રમાણે જોઈએ તો તે ઈટાલીના પગલે જ આગળ વધી રહ્યું છે. બસ આપણે માત્ર સમયમાં એક મહિનો પાછળ છીએ. વર્લ્ડ મીટરના આંકડા પ્રમાણે એક એપ્રિલ સુધી ભારતમાં કોરોનાના 1998 કેસ આવ્યા હતા અને 58 લોકોના મોત થયા હતા. એક મહિના પહેલાં એક માર્ચે ઈટાલીના આંકડા જાઈએ તો અહીં આ તારીખ સુધી કોરોનાના 1577 કેસ સામે આવ્યા હતા જ્યારે 41 લોકોના મોત થયા હતા. સોમવારે એટલે કે 6 એપ્રિલ સુધીના આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાઈરસના 4778 કેસ સામે આવ્યા હતા અને 136 લોકોના મોત થયા હતા. હવે એક મહિના પછીની સ્થિતિ જોઈએ તો, એટલે કે ઈટાલીનો 6 માર્ચ સુધીનો ગ્રાફ જોઈએ તો અહીં 4636 કેસ આવ્યા હતા અને 197 લોકોના મોત થયા હતા.
ભારત તેમજ ઈટાલીમાં રોજના કેસ અને મોતની સંખ્યાનો આંકડો લગભગ એક જેવો જ છે. અહીં પણ બસ માત્ર સમયનો જ ફરક છે. એક મહિના પહેલાં ઈટાલીમાં રોજ ભારતમાં જેટલા કેસ નોંધાય હતા. તેવી જ રીતે મોતના આકડા લગભગ સરખા જ હતાં. ઈટાલીમાં એક માર્ચે 573 કેસ આવ્યા હતા અને 12 મોત થયા હતી. એક મહિના પછી ભારતમાં એક એપ્રિલે 601 કેસ આવ્યા અને 23 મોત થઈ છે.
બીજી બાજુ એક હકીકત એ પણ છે કે, 130 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં જે પ્રમાણે કોરોના વાઈરસના ઈન્ફેક્ટેડ લોકોનું સ્ક્રીનિંગ અને સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તે પૂરતાં નથી. ભારતમાં અત્યાર સુધી અંદાજે 85 હજાર ટેસ્ટ થઈ ચૂક્યા છે. અમુક રાજ્યોમાં હાલ રોજના માત્ર 250થી 500 ટેસ્ટ જ થઈ રહ્યા છે. આમાં એક વ્યક્તિના ઘણાં ટેસ્ટ કરવામાં આવતા હોય છે. આ કારણથી પણ ભારતમાં કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે. ભારતમાં અત્યારે એક લાખની વસતીએ માત્ર 6.5 લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે.
જ્યારે બીજી બાજુ દુનિયાના બીજા દેશોમાં સ્થિતિ ભારત કરતા થોડી જુદી છે. દક્ષિણ કોરિયાની વસતી માત્ર 5.1 કરોડ છે. જ્યારે અહીં 2.5 લાખથી વધુ લોકોના ટેસ્ટ કરી દેવામાં આવ્યા છે. એક એપ્રિલ સુધીના આંકડા પ્રમાણે દર એક લાખની વસતીએ બહરીનમાં 20,075 લોકોના, દક્ષિણ કોરિયામાં 8,222, ઈટાલીમાં 8,385, ઓસ્ટ્રેલિયામાં 6,203, બ્રિટનમાં 2,109, અમેરિકામાં 447, જાપાનમાં 257 લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ચીને માર્ચના અંત સુધીમાં કુલ 3.20 લાખ લોકોના ટેસ્ટ કર્યા હતા.