ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં‘ઇસ્લામના અપમાન’બદલ બે મુસ્લિમ યુવકોએ એક દરજી યુવકની તાલિબાની સ્ટાઈલથી હત્યા કરી દેતાં સમગ્ર દેશમાં તેના આકરા પડઘા પડ્યા છે.ઘટનાને પગલે લોકોના ટોળાંએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો.રાજસ્થાનમાં કોમી તંગદિલી વધી જતાં સમગ્ર રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવાઇ છે.રાજ્યભરમાં લોકોને એક મહિના સુધી ભેગા થવા પર પ્રતિબંધ મુકતા નિર્દેશાત્મક આદેશો લાદી દેવાયા છે.આગામી ૨૪ કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરાઇ છે.ઉદયપુર શહેરના સાત પોલીસ સ્ટેશનમાં વધુ આદેશો જારી ન કરાય ત્યાં સુધી કરફ્યૂ લાદી દેવાયો છે.પોલીસે રાજસંમદમાંથી રિયાઝ અખ્તારી અને ઘોષ મોહમ્મદ નામના આ બન્નેની ધરપકડ કરી છે.સમગ્ર દેશમાં આ ઘટના બાદ ભારે આક્રોશ અને ભયની લાગણી જન્મી છે.
ધોળા દિવસે દરજીની દુકાનમાં તેનું ગળું કાપી નાખીને હત્યા કરનાર બન્ને યુવકોએ પોતાના આ કૃત્યને કબૂલતા ત્રણ વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જોકે વીડિયો પોસ્ટ કર્યાની થોડીક કલાકોમાં જ બન્નેની ધરપકડ કરી લેવાઇ છે.એક વીડિયો ક્લિપમાં હત્યારાઓ જાહેર કરે છે કે તેમણે એ માણસનું માથું કાપી નાખ્યું હતું.તેમનું દુષ્સાહસ એટલું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપે છે.તેઓ કહે છે કે તેઓ મોદીના પણ આવા હાલ કરી દેશે.હુમલાખોરોએ નુપૂર શર્માનો પણ ઉલ્લેખ કર્યો હતો. મૃતક કન્હૈયાલાલના 8 વર્ષના દીકરાએ તેના મોબાઈલમાંથી નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.ત્યારબાદ પોલીસે કન્હૈયાલાલની ધરપકડ કરી હતી.તેમ છતાં કેટલાંક લોકો કન્હૈયાલાલને સતત ધમકી આપી રહ્યા હતા અને મંગળવારે તેના પર હુમલો કરીને હત્યા કરી હતી.
ભાજપના એક નેતાનું કહેવું છે કે પીડિતે તેના જીવન સામે ખતરો હોવાની દહેશત વ્યક્ત કરી હતી અને પોલીસ રક્ષણની માગણી કરી હતી.પરંતુ સત્તાવાળાઓ તેના પર ધ્યાન આપ્યું નહતું.હુમલાખોરો શહેરના ધાન મંડી વિસ્તારમાં આવેલી કન્હૈયાની દુકાનમાં બે યુવકો ગ્રાહક બનીને ઘુસ્યા હતા.દરજી તેમાંથી એકનું માપ લઇ રહ્યો હતો ત્યારે એક હુમલાખોર રિઝવાન અખ્તારીએ તેની પાસે રહેલો ધારદાર છરો કાઢ્યો હતો અને દરજીના ગળા પર ફેરવી દીધું હતું.અન્ય યુવકે આ ઘટનાનું રેકોર્ડિંગ મોબાઇલ ફોન પર કર્યું હતું.એ પછી બન્ને યુવકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા અને સોશિયલ મીડિયા પર આ ક્લીપ મુકી હતી. એક અન્ય વીડિયોમાં કથિત હુમલાખોરે કહ્યું હતું કે તેમણે દરજીનું માથું કાપી નાખ્યું છે અને‘આ આગ’લગાડવા બદલ વડાપ્રધાનને પણ ધમકી આપી હતી.
૧૭ જૂને રેકોર્ડ કરાયેલો વધુ એક ભડકાઉ વીડિયો પણ જારી કરાયો હતો.જેમાં અખ્તારી કહે છે કે તે હત્યાના દિવસે આ પોસ્ટ કરશે.તેઓ પોતાની કોમના અન્ય લોકોને પણ આવા જ હુમલા કરવાની અપીલ કરે છે.સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ થતાંની સાથે જ તંગદિલી વધી હતી.દુકાનદારોએ શટર બંધ કરીને ઘટનાનો વિરોધ કર્યો હતો.
રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે લોકોને શાંત રહેવાની અપીલ વીડિયો શેર નહિ કરવાની અપીલ કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે‘દોષિતોને છોડવામાં નહિ આવે.સમગ્ર પોલીસની ટીમ સંપૂર્ણ એલર્ટ થઇને કામ કરી રહી છે.આ હત્યાને કારણે લોકોમાં થયેલી નારાજગી હું સમજી શકું છું.દેશમાં કોમી તંગદિલી છે અને વડાપ્રધાન મોદીએ લોકોનું સંબોધન કરવું જોઇએ.હિન્દુઓ અને મુસ્લિમો ચિંતિત છે.’ભાજપના રાજ્ય વડા સતીષ પૂનિયાએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આ હત્યા સરકારની તુષ્ટિકરણ નીતિનું પરિણામ છે.