ગાંધીનગર-ગુજરાતના રાજકારણમાં અણધાર્યો વળાંક લાવનારા પિતા-પુત્રની જોડીએ એવો સંકેત આપ્યો છે કે અમારા આદિવાસીઓની માગણી જે પાર્ટી સ્વિકારશે તેને અમારો મત આપીશું.આ બન્નેએ સોદાબાજીના દરવાજા ખોલ્યાં છે.બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા કહી રહ્યાં છે કે ગુજરાતમાં શાસક પક્ષ અને વિપક્ષ અમારા પ્રશ્નો ઉકેલવામાં સિરીયસ નથી તેથી હું બન્નેથી નારાજ છું.
બીટીપીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જાહેર કર્યું હતું કે અમે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાના નથી.આ નિવેદન પછી કોંગ્રેસના પ્રદેશ નેતાઓને ફાળ પડી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે અમે આદિવાસીઓની સાથે છીએ અને તેમને પ્રશ્નોની અસરકારક રજૂઆત કરીશું. બીજી તરફ ભાજપના નેતાઓએ બીટીપીના બન્ને સભ્યોનો કબજો લઇ લીધો છે.
છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પણ મતદાન કરવાનો ઇન્કાર કર્યો છે.તેઓ ડેડીયાપાડાના ધારાસભ્ય છે. આ બન્ને પિતા-પુત્ર કોંગ્રેસના મહામંત્રી ભરતસિંહ પરમારને મળવા માટે ગયા હતા અને આદિવાસીઓના પ્રશ્નોની રજૂઆત કરી હતી.ભાજપે પણ બીટીપીની માગણીઓનો સ્વિકાર કર્યો છે.
જો કે હાલ તુરત તો બીટીપીએ મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીના પ્રદેશ નેતાઓ તેઓને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.ભાજપને ત્રીજા ઉમેદવારને વિજયી બનાવવા માટે બીટીપીના મતોની આવશ્યકતા છે જ્યારે કોંગ્રેસ બીટીપીના સહકાર વિના બીજા ઉમેદવારને ગુમાવે તેવી શક્યતા છે.જો બીટીપી મતદાન નહીં કરે તો કોંગ્રેસના બીજી ઉમેદવાર ભરતસિંહ ઘરે આવશે.