નવી દિલ્હી,
સ્થાનિક મૂડીબજારમાં પાર્ટિસિપેટરી નોટ્સ(P-નોટ્સ) મારફતે રોકાણ 15 વર્ષના નીચા સ્તર પર પહોંચ્યું હતું.માર્ચના અંતે દેશમાં પી-નોટ્સ મારફતે રોકાણ ~48,006 કરોડ થયું હતું. કોરોના વાયરસને પગલે તીવ્ર મંદીની ભીતિ વચ્ચે માર્કેટમાં ભારે વોલેટિલિટી વચ્ચે રોકાણનો પ્રવાહ ઘટ્યો હતો. સેબીના ડેટા અનુસાર માર્ચના અંતે પી-નોટ્સ મારફતે ઈક્વિટી, ડેટ, હાઈબ્રિડ સિક્યુરિટીઝ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં કુલ ~48,006 કરોડનું રોકાણ થયું હતું,જે ઓક્ટોબર 2004 પછીથી અત્યાર સુધીમાં સૌથી ઓછું છે.તે સમયે 15 વર્ષ પહેલાં આ રૂટથી રોકાણ ~44,586 કરોડનું થયું હતું. આ પૈકી ઈક્વિટીમાં ~37,859 કરોડનું રોકાણ થયું હતું.ડેટ માર્કેટમાં ~9889 કરોડનું,ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ~153 કરોડનું અને હાઈબ્રિડ સિક્યુરિટીઝમાં ~104 કરોડનું રોકાણ થયું હતું.
અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પી-નોટ્સ મારફતે રોકાણ વધ્યું હતું.જાન્યુઆરીના અંતે ~67,281 કરોડ અને ફેબ્રુઆરીના અંતે તે ~68,862 કરોડ થયું હતું.ડિસેમ્બરના અંતે ~64,537 કરોડનું રોકાણ થયું હતું. નવેમ્બરના અંતે ~69,670 કરોડનું રોકાણ થયું હતું.જે વિદેશી રોકાણકારો ભારતમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વગર સીધું જ રોકાણ કરવા માગતા હોય તેમને પી-નોટ્સ ઈશ્યૂ કરવામાં આવે છે.દેશમાં રજિસ્ટર્ડ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI) આ P-નોટ્સ ઈશ્યૂ કરે છે.સેબીએ એફપીઆઈ માટેના નિયમો હળવા કરતા પી-નોટ્સ મારફતે રોકાણ ઘટ્યું છે.