નવી િદલ્હી : દિલ્હીમાં મુખ્યપ્રધાન કેજરીવાલના પ્રધાન સત્યેન્દ્ર જૈનની પૂછપરછ દરમિયાન એક વકીલને હાજર રાખવાના ટ્રાયલ કોર્ટના આદેશને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટે આ કેસની અર્જન્ટ સુનાવણીને વિનંતીને માન્ય રાખી શુક્રવારે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટીના આ નેતાની ઇડીએ 30મેએ ધરપકડ કરી હતી અને ટ્રાયલ કોર્ટે તેમને 9 જૂન સુધી ઇડીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.ટ્રાયલ કોર્ટે તે સમયે સત્યેન્દ્ર જૈનને તેમની પૂછપરછ દરમિયાન વકીલને હાજર રાખવાની મંજૂરી આપી હતી.તેનો ઇડીએ વિરોધ કર્યો હતો અને હવે હાઇકોર્ટમાં આ આદેશને પડકાર્યો છે.મની લોન્ડરિંગ કેસમાં ઇડીની કસ્ટડીમાં રહેલા સત્યેન્દ્ર જૈનના આશરે અડધો ડઝન ખાતાની દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને ફાળવણી કરાઈ છે.
સત્યેન્દ્ર જૈનની ધરપકડ પછી ભાજપ અને કોંગ્રેસે માગણી કરી રહ્યાં છે કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જૈનની કેબિનેટમાંથી હકાલપટ્ટી કરવી જોઇએ.સત્યેન્દ્ર જૈન પાસે આરોગ્ય,ઉદ્યોગો,વીજળી,ગૃહ,શહેરી વિકાસ,સિંચાઈ,ફૂડ કંટ્રોલ જેવા શ્રેણીબદ્ધ ખાતા હતા.સત્યેન્દ્ર જૈનની ધરપકડથી અકળાયેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે કેન્દ્રે ખોટા કેસોમાં તેમના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડનો એજન્સીઓને આદેશ આપ્યો છે.કેજરીવાલે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા તેમને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણકારી મળી હતી કે જૈનની ધરપકડ થશે અને મેં આ જાણકારી જાહેર કરી હતી.હવે એ જ સૂત્રોએ સિસોદિયાની ધરપકડની માહિતી આપી છે.સિસોદિયાની ધરપકડ માટે બોગસ કેસો તૈયાર કરવા સરકારે તેની પૂરી તાકાત કામે લગાડી દીધી છે.હું હાથ જોડીને વડાપ્રધાનને વિનંતી કરું છું કે અમને એક પછી એકને જેલમાં મોકલવાની જગ્યાએ આપના તમામ પ્રધાનો અને ધારાસભ્યોને એકસાથે જેલમાં મોકલી દો.

