બારડોલી : બારડોલી તાલુકાનાં વાંસકુઇ ગામની સીમમાં માંડવીથી મઢી જતાં માર્ગ પર એક્ટિવા લઈને જતાં પિતા પુત્રીને રસ્તો ક્રોસ કરતી વખતે પાછળથી પૂરઝડપે આવતી ટ્રકે ટક્કર મારતા પુત્રીનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં ધામોદલા ગામે રહેતા ગુરજીભાઈ ગજાભાઈ ચૌધરી(ઉ.વર્ષ 58)સોમવારના રોજ પોતાની પુત્રી સ્નેહલાતા(ઉ.વર્ષ 28)સાથે એક્ટિવા નંબર જીજે 26 એડી 0423 પર મઢી જવા માટે નીકળ્યા હતા.તેઓ મઢી માંડવી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. વાંસકુઇ ગામની સીમમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રક નંબર જીજે 3 સીએલ 8341 એ તેમની એક્ટિવાને ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા.બંનેને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સ્નેહલતાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.પોલીસે મૃતક સ્નેહલતાના મોટા ભાઈ સર્વજિત ઉર્ફે મુન્ના ગુરજી ચૌધરીની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


