બેંગાલુરુ : કર્ણાટકમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શરૂ કોન્ફરન્સમાં શાહી ફેકવામાં આવી હતી,જેને પગલે રાકેશ ટિકૈતના સમર્થકોએ આ શાહી ફેકનારાની સ્થળ પર જ મારપીટ કરી દીધી હતી.પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ત્રણ લોકોની અટકાયત કરી છે.જ્યારે ટિકૈતે આરોપ લગાવ્યો હતો કે પોલીસે મને સુરક્ષા ન આપી,સરકારના કાવતરાના ભાગરુપે મારા પર શાહી ફેકવામાં આવી હતી.બેંગાલુરુમાં આવેલા ગાંધી ભવન ખાતે રાકેશ ટિકૈત જ્યારે પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર એક શખ્સે તેમના પર શાહી ફેકી દીધી હતી.જેને પગલે મારપીટ થઇ હતી.આ પ્રેસ કોન્ફરન્સ રાજ્યના ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા યોજવામાં આવી હતી.રાકેશ ટિકૈત પર આ શાહી ત્યારે ફેકવામાં આવી જ્યારે તેઓ કર્ણાટકના ખેડૂત નેતા કોડિહાલી ચંદ્રશેખર અંગે વાત કરી રહ્યા હતા.ચંદ્રશેખર સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે.રાકેશ ટિકૈતે કહ્યું હતું કે મારે ચંદ્રશેખર સાથે કઇ જ લેવાદેવા નથી.એવામાં ચંદ્રશેખરના સમર્થક દ્વારા રાકેશ ટિકૈત પર આ શાહી ફેકવામાં આવી હતી.
બાદમાં રાકેશ ટિકૈત અને ચંદ્રશેખરના સમર્થકો આમનેસામને આવી ગયા હતા અને ખુરશીઓ ઉછળી હતી.રાકેશ ટિકૈતના સમર્થકોએ બાદમાં શાહી ફેકનારાની મારપીટ કરી હોવાના અહેવાલો છે.આ ઘટના બાદ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે મને સ્થાનિક પોલીસ દ્વારા કોઇ જ સુરક્ષા પુરી નહોતી પાડવામાં આવી,સરકારની સાથે મિલિભગતથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.પ્રેસ કોન્ફરન્સના એક આયોજકે કહ્યું હતું કે રાકેશ ટિકૈતને જોખમ હોવાની જાણકારી અમે પોલીસને આપી હોવા છતા કોઇ જ સુરક્ષા પુરી નહોતી પાડવામાં આવી.પોલીસે હાલ ત્રણ લોકોની અટકાયત કરી છે અને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે.

