– રાજ ઠાકરેએ મુંબઈમાં ધારાસભ્યોને ઘર આપવાની રાજ્ય સરકારની જાહેરાતની પણ ટીકા કરી
મુંબઈ, તા. 03 એપ્રિલ 2022, રવિવાર : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાજ્ય સરકાર સમક્ષ મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર દૂર કરવાની માગણી કરી છે.મુંબઈના શિવાજી પાર્ક ખાતે એક રેલીમાં પોતાના સમર્થકોને સંબોધિત કરતી વખતે રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘મસ્જિદોમાં લાઉડ સ્પીકર આટલા ઉંચા અવાજે શા માટે વગાડાય છે? જો તેને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર વધુ ઉંચા અવાજે હનુમાન ચાલીસાના સ્પીકર વાગવા લાગશે.’ વધુમાં કહ્યું હતું કે, ‘હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરૂદ્ધમાં નથી.મને મારા ધર્મ પર ગર્વ છે.’
રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધીને કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચૂંટણી દરમિયાન જે શક્તિઓનો વિરોધ કર્યો હતો તેમના સાથે ગઠબંધન કરીને જ સરકાર ચલાવી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે રજૂ કર્યા હતા અને ઉદ્ધવે કદી એક શબ્દ પણ નહોતો કહ્યો.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ જ તેમને મુખ્યમંત્રી બનવાનો અને વિપક્ષી દળો સાથે ગઠબંધન કરવાનો વિચાર આવ્યો.રાજ ઠાકરેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પર પણ નિશાન સાધ્યું હતું.તેમણે જાતિ આધારીત નફરત ફેલાવવાનો આરોપ લગાવીને કહ્યું હતું કે, ‘આજે લોકો રાજ્યમાં જાતિના મુદ્દે લડી રહ્યા છે. આપણે ક્યારે આમાંથી બહાર નીકળીને હિંદુ બનીશું?’
રાજ ઠાકરેએ મુંબઈમાં ધારાસભ્યોને ઘર આપવાની રાજ્ય સરકારની જાહેરાતની પણ ટીકા કરી હતી.


