મુંબઈ : મુંબઈ દેશનું કારની બાબતમાં સૌથી વધુ ગીચતા ધરાવતું શહેર છે.પણ હવે ખાનગી કારોની સંખ્યા ૧૨ લાખને સ્પર્શી જતા પ્રત્યેક કિલોમીટરે ૬૦૦ કારની સંખ્યા થઈ છે.ઉપરાંત ટેક્સી અને ખાનગી કેબ તરીકે વધુ દોઢ લાખ કાર કાર્યરત છે.એકંદરે શહેરમાં સ્કૂટર,બાઈક,બસ અને ટ્રક સહિત તમામ વાહનોની કુલ સંખ્યા ૪૩ લાખ છે એટલે કે પ્રત્યેક કિલોમીટરે ૨,૧૫૦ વાહનો છે.તેના પરિણામે શહેરના રસ્તાઓ પર વારંવાર ટ્રાફિક જામ જાહેર પરિવહનમાં ખલેલના બનાવો સર્જાય છે.છેલ્લા એક દાયકા દરમ્યાન ખાનગી કારોની સંખ્યામાં ૯૪ ટકાનો વધારો થયો છે.એટલે કે ૨૦૧૧-૧૨થી અત્યાર સુધીમાં ૬.૨ લાખ કારનો વધારો થયો છે.ઉલ્લેખનીય છે કે ૨૦૨૦-૨૧ના મહામારીના વર્ષમાં ૪૪ હજારથી વધુ અને ૨૦૨૧-૨૨માં ૫૮ હજારથી વધુ કારોની નોંધણી થઈ હતી.બેસ્ટ કંપનીએ ખાનગી કાર માલિકોને જાહેર પરિવહન તરફ વાળવા ૨૦૨૬ સુધીમાં ૧૦ હજાર ઈલેક્ટ્રિક એસી બસ સામેલ કરવાનું નક્કી કર્યું છે.એમાં ત્રણ હજાર પ્રીમિયમ એપ આધારીત બસ સામેલ હશે જે નિયમિત ઓફિસ જવા ખાનગી કારનો ઉપયોગ કરનાર માટે ઉપયોગી સાબિત થશે.
ત્રણ હજાર પ્રીમિયમ એસી બસને કારણે ઓછામાં ઓછા ૨થી ૩ લાખ કાર વપરાશકારો જાહેર પરિવહન તરફ વળશે જેના કારણે પ્રદુષણ અને ગીચતા બંને ઘટશે તેવી આશા છે.ઉલ્લેખનીય છે કે મુંબઈમાં પાર્કિંગની જગ્યાઓની તંગી અને રસ્તા પર મનફાવે તેમ પાર્કિંગ કરવાની મોટી સમસ્યા છે ત્યારે પરિવહન કાર્યકરો એવી માગણી કરી રહ્યા છે કે માત્ર પોતાની પાસે પાર્કિંગની સુવિધા હોય તેવી લેખિત ખાતરી આપનારને જ કારના રજિસ્ટ્રેશની મંજૂરી આપવામાં આવે.ઉપરાંત તેમણે ખાનગી કાર માટે ઉપયોગમાં લેવાતા પેટ્રોલ અને ડીઝલ પર વધુ સેસ લાદવાની માગણી કરી છે.આ વધારાની રકમ જાહેર પરિવહન માટે વાપરી શકાય.