વોશિંગ્ટન, તા. ૩ : ચીને રશિયાને વિન્ટર-ઓલિમ્પિક્સની સમાપ્તિ સુધી યુક્રેન પર આક્રમણ નહીં કરવા કહ્યું હતું.ન્યુયોર્ક ટાઈમ્સે બાયડન વહીવટી તંત્રના અધિકારીઓ અને એક યુરોપીય અધિકારીના હવાલાથી આ માહિતી આપી હતી.પશ્ચિમી જાસૂસી સંસ્થાઓને પણ ચીનના ટોચના અધિકારીઓ દ્વારા આ માહિતી મળી હતી.જોકે,ચીને આ અહેવાલોને નકારી કાઢ્યા છે.તેમણે આ ‘ફેક ન્યૂઝ’ને અમેરિકા અને પશ્ચિમી દેશોના યુદ્ધ પરથી ધ્યાન બીજે વાળવા અને બીજાના માથે દોષનો ટોપલો ઢોળવા માટેના પ્રયાસ સમાન ગણાવ્યા હતા.
અમેરિકન અખભરા ન્યૂયોર્ક ટાઈમ્સે બાઈડેન તંત્રના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે ચીનના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને રશિયા ની યુક્રેન પર હુમલાની યોજના અથવા તેના ઈરાદા અંગે અગાઉથી જ માહિતી હતી.જોકે,સૂત્રોએ આ અંગે વિસ્તૃત કોઈ માહિતી આપી નહોતી.સૂત્રોએ પોતાની ઓળખ જાહેર કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
દરમિયાન વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયુ પેંગયૂએ કહ્યું,આ સમાચારો માત્ર અટકળો પર આધારિત છે અને તેનો વાસ્તવિક કોઈ આધાર નથી.આ અહેવાલોનો આશય માત્ર આક્ષેપો કરવાનો અને ચીનને બદનામ કરવાનો છે.અમેરિકન વિદેશ વિભાગ અથવા સીઆઈએએ આ અંગે તાત્કાલિક કોઈ નિવેદન આપ્યું નથી.ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યું કે ચીન અને રશિયા વચ્ચે થયેલી વાતચીત અંગે પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓએ માહિતી મેળવી છે.તેની સમીક્ષા કરનારા અધિકારીએ આ અહેવાલોને વિશ્વસનીય ગણાવ્યા છે.જોકે,આ અંગે ચીનના પ્રમુખ જિનપિંગ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે કોઈ ચર્ચા થઈ હતી કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ નથી.
આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે પશ્ચિમી દેશો યુક્રેન પર હુમલા મુદ્દે રશિયા પર આક્રમક પ્રતિબંધો મૂકી રહ્યા છે,પરંતુ ચીને પ્રતિબંધો લાદવા ઈનકાર કરી દીધો છે.ચીનના બેન્ક નિયામકે કહ્યું કે તેમનો દેશ રશિયા પર આર્થિક પ્રતિબંધ મૂકવા માટે અમેરિકા અને યુરોપીયન સરકારોને સાથ નહીં આપે.
વધુમાં ચીને ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલોને ફેક ન્યૂઝ ગણાવ્યા છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને આ અહેવાલોને યુદ્ધ પરથી ધ્યાન બીજા વાળવા તેમજ યુદ્ધ અંગે દોષનો ટોપલો બીજાના માથે નાંખવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસ સમાન ગણાવ્યા છે.ચીને કહ્યું કે,નાટો યુક્રેનનો તેના સંગઠનમાં સમાવેશ કરવા માગે છે અને તેના કારણે જ આ યુદ્ધ શરૂ થયું છે.અમને આશા છે કે યુક્રેન કટોકટીમાં તેમની ભૂમિકા બદલ નાટો અને અમેરિકા દોષિત ઠરશે. અમેરિકા અને નાટોએ અન્યો પર દોષારોપણ કરવાના બદલે વ્યવહારુ ઉકેલ નહીં લાવવા અને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવવા માટે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ.આ યુદ્ધમાં રશિયાનું સમર્થન કરનાર ચીન એકમાત્ર મોટો દેશ છે.
યુક્રેન સામે યુદ્ધ : ચીને રશિયાને વિન્ટર ઓલિમ્પિક સુધી રોકાવા કહ્યું હતું

Leave a Comment