નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2023 શુક્રવાર : રાજસ્થાન સરકાર વર્તમાન સમયમાં સતત ચર્ચામાં જ રહે છે.સરકાર પર વિવિધ બાબતે આરોપ લાગતા રહ્યા છે.પરીક્ષા પેપર લિંક મામલે પણ મોટો હંગામો થયો હતો.તે જ કડીમાં આગળ એક ઘટના બની છે જેના કારણે રાજસ્થાનના રાજકારણમાં હડકંપ મચી ગયો છે.અહીં એક મહિલા અધિકારીએ IAS અધિકારી અને મંત્રી પર આરોપ લગાવ્યા છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના એક મહિલા અધિકારીએ રાજસ્થાનના IAS અને મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના મંત્રી પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે.રાજસ્થાનના આરએએસ અધિકારી પૂજા મીણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને IAS પવન અરોડા પર ગંભીર આરોપ લગાવ્યા હતા.પુજા મીણાએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે પવન અરોડા ખૂબ જ ખરાબ વ્યક્તિ છે.તે રાજસ્થાનનો સૌથી બદનામ વ્યક્તિ છે.તેણે મને ખૂબ હેરાન કરી છે.તે જ્યારે ડી.એલ.બી. ડિપાર્ટમેન્ટમાં હતો ત્યારે એક મહિલાઓનું સંગઠન બનાવીને સેકસ રેકેટ ચલાવતો હતો.તે ચારિત્ર્યહીન સ્ત્રીઓને જાણી જોઈને અધિકારીઓ સાથે જોડતો,જેથી પાછળથી તે લોકોને દબાવી શકે.ખોટા મેસેજ બનાવવા,ખોટી આઈડીઓ બનાવવી જેવા કૃત્યો પણ કરતો હતો.લોકેશન ટ્રેસ કરવું,ફોન હેક કરવા જેવા ગેરકાયદેસરના કાર્યો પણ કરતો.
વધુમાં પૂજા મીણાએ જણાવ્યું હતું કે જ્યારે પવન અરોડા ડી.એલ.બી. વિભાગમાં હતો ત્યારે હ્રદેશ કુમારે તેને છાવર્યો હતો.સાથે સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોતના સૌથી નજીકના યુ.ડી.એચ. મંત્રી શાંતિ ધારીવાલાએ તેને પૂરેપૂરું રક્ષણ પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પૂજા મીણા જાલાવાડ નગર પરિષદના કમિશનર પદે નિયુક્ત હતાં.પરંતુ 09 જાન્યુઆરી 2023ના રોજ અચાનક ટૂંકા ગાળામાં જ ઉપરાછાપરી બે વાર બદલી કરવામાં આવી હતી.ત્યારબાદ તેમણે મિડીયા સમક્ષ આવીને રાજસ્થાન સરકારના અધિકારીઓ અને મંત્રી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.આ મામલે રાજસ્થાનના આઈએએસ અધિકારી પવન અરોડાને પૂછવામાં આવતા તેમણે પૂજા મીણા દ્વારા લગાવેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ બધા આરોપો અસત્ય,મનઘડત અને પાયાવિહોણા છે.
ગેહલોતની રાજસ્થાન સરકાર રાજકીય રીતે પણ અસ્થિર છે જ્યારે પ્રશાસનિક રીતે પણ ગંભીર આરોપો લાગતા રહ્યા છે.રાજ્યમાં ગુનાખોરીનું અને મહિલા પર અત્યાચારનું પ્રમાણે પણ વધ્યું છે.જેના કારણે ટીકાઓ પણ થઈ રહી છે.