ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે.સાતમ આઠમની રજાનો મુડ પૂરો થતા જ ભાજપ,આપ અને કોંગ્રેસ એકશન મોડ અને રાજકીય મૂડમાં આવી ગયા છે.રાજકોટમાં ભાજપના બી.એલ.સંતોષ સાથે સૌરાષ્ટ્રની 48 બેઠકોના પ્રભારીઓ તથા 11 જિલ્લાઓના 15 શહેર અને જિલ્લા પ્રમુખો સાથે બંધબારણે બેઠક યોજીને અનૌપચારિક રીતે કોને ટિકીટ આપવી તેની સેન્સ મેળવી હતી અમદાવાદમાં કોંગ્રેસના અશોક ગેહલોત,વેણુગોપાલ સૌરાષ્ટ્રના હોદ્દેદારો,ધારાસભ્યો ઉમેદવારોની સુચિને આખરી ઓપ આપવા બેઠક યોજાઈ છે.
ભાજપના સૂત્રો અનુસાર ધારાસભા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીની તથા સંગઠનની પ્રક્રિયા અન્વયે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ છે અને બપોરથી રાત્રિ સુધી આ અંગે ચર્ચા કરવામાં આવી છે.જો કે, કાર્યક્રમ સ્થળે મિડીયાને નો-એન્ટ્રી રાખવામાં આવી હતી.
કોંગ્રેસના સૂત્રો અનુસાર આવતીકાલે અમદાવાદમાં બેઠક બાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની 58 બેઠકો કે જેના પર કોંગ્રેસ સતત ત્રણ ટર્મથી હારે છે ત્યાં ઉમેદવારો જાહેર કરવાની યાદીને આખરી ઓપ અપાશે.કેટલાક નામો ફાઈનલ થઈ ગયાનું પણ આ સૂત્રોએ જણાવ્યું હતું.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની દર સપ્તાહે ગુજરાત મુલાકાત યોજાઈ રહી છે અને 182 પૈકી 19 ધારાસભા બેઠક માટે નામો જાહેર કરી દીધા છે,આજે તેમણે સારવાર ફ્રી માટે ગેરેંટી જાહેર કરી છે ત્યારે વધુ કેટલાક નામો ટિકીટ માટે ફાઈનલ કરી લેવાયાનું જાણવા મળ્યું છે.સૌરાષ્ટ્રભરમાંથી અહેવાલો અનુસાર આ વખતે પ્રથમવાર ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત મનાય છે જેના કારણે રાજકીય ધમધમાટ વધ્યો છે.