રાહુલ ગાંધી અત્યારે નેપાળના અંગત પ્રવાસે છે.સોશિયલ મીડિયા પર ત્યાંની એક પબનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક ચીની મહિલા પણ જોવા મળે છે.દાવો કરવામાં આવે છે કે, આ નેપાળની પ્રખ્યાત પબ LOD- લોર્ડ ઓફ ડ્રિંક્સ છે અને મહિલા નેપાળમાં ચીની રાજદૂત હોઉ યાંકી છે.આ વીડિયો વાયરલ થતાં બીજેપીએ આકરા પ્રહાર શરૂ કર્યા છે.કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરતાં કહ્યું છે કે વેકેશન,પાર્ટી,પ્લેઝર ટ્રિપ,પ્રાઈવેટ ફોરેન વિઝિટ વગેરે હવે દેશ માટે કોઈ નવી વાત નથી.
કલાકો પછી પ્રવક્તાએ નેપાળ વિઝિટનો ખુલાસો કર્યો
જોકે આ વીડિયો વિશે ઘણાં કલાકો સુધી કોંગ્રેસ અથવા રાહુલ ગાંધીનું કોઈ રિએક્શન આવ્યું નહતું.અંતે પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી મિત્ર દેશ નેપાળમાં એક મિત્રના મેરેજમાં ગયા છે.તે એક જર્નાલિસ્ટ છે.મિત્રો-પરિવારનું હોવું અને લગ્નોમાં હાજરી આપવી આપણી સંસ્કૃતિનો એક ભાગ છે.લગ્નમાં જવું હવે આ દેશમાં ક્રાઈમ ના ગણી શકાય.શક્ય છે કે, હવે બીજેપી એવું પણ નક્કી કરે કે, લગ્નમાં જવું ગેરકાયદે છે અને મિત્રો બનાવવા ગુનો છે.
નેપાળના રહેવાસીએ આ વીડિયો શેર કર્યો છે
રિપોર્ટ્સ અનુસાર, કાઠમંડુના રહેવાસી ભૂપેન કુંવરે 2-3 મે 2022ની રાત્રે ફેસબુક પર બંને વાઇરલ વીડિયો શેર કર્યા હતા.વીડિયોમાં રાહુલ ગાંધી પોતાના ફોનમાં વ્યસ્ત છે.બીજા વીડિયોમાં તેઓ એક યુવતીની સાથે ઊભા છે અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે.આ યુવતીને નેપાળમાં ચીનની રાજદૂત હોઉ યાન્કી જણાવવામાં આવી રહી છે.ભૂપેને એમ પણ લખ્યું હતું કે આ નેપાળની સૌથી મોટી અને શ્રેષ્ઠ નાઈટ ક્લબ છે.
રાહુલ ગાંધી લગ્નમાં ગયા છે
કાઠમંડુ પોસ્ટના સમાચાર મુજબ, રાહુલ ગાંધી ખરેખર કાઠમંડુમાં સુમનિમા ઉદાસના લગ્નમાં હાજરી આપવા માટે ગયા છે.જે નેપાળમાં મ્યાનમારના રાજદૂતની પુત્રી છે. આ તેમનો અંગત પ્રવાસ છે.સુમનિમાના પિતા ભીમ ઉદાસે જણાવ્યું હતું કે તેમની પુત્રીના લગ્ન મંગળવારે નીમા માર્ટિન શેરપા સાથે થવાના છે. તેમનું સ્વાગત 5 મેના રોજ હયાત રિજન્સી બુદ્ધા ખાતે થવાનું છે.બીજેપી સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવીયએ ટ્વીટ કર્યું છે કે જ્યારે મુંબઈ પર હુમલો થયો ત્યારે પણ રાહુલ ગાંધી નાઈટ ક્લબમાં હતા. જ્યારે જ્યારે તેમની પાર્ટી મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ નાઈટ ક્લબમાં હોય છે.
કપિલ મિશ્રાએ નિશાન સાધ્યું
બીજેપીના અન્ય નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે આ રાહુલ ગાંધીના અંગત જીવનનો સવાલ નથી.તેમણે ટ્વીટમાં પૂછ્યું છે કે રાહુલ ગાંધી કોની સાથે છે? શું ચીનના એજન્ટો સાથે છે? શું રાહુલ ગાંધી સેના વિરુદ્ધ ટ્વીટ કરે છે તે ચીનના દબાણમાં આવીને કરે છે? સવાલ તો પુછાશે? સવાલ રાહુલ ગાંધીનો નહીં, દેશનો છે.