વડોદરા : ડભોઈ કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર દરમિયાન રૂપિયા આપતા હોવાનો વીડિયો વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો ગતરોજ અંતિમ દિવસ હતો.હવે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે એ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે.ઉમેદવારો મતદાતાઓને રિઝવવા માટે અનેક નુસખા અપનાવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાની ડભોઈ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો મતદાતાઓને રિઝવવાના નુસખાનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયેલા બાલકૃષ્ણ ઢોલારને કોંગ્રેસ પક્ષ દ્વારા ડભોઈ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવતા કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ ઢોલરે પ્રચાર શરૂ કર્યો હતો.તેઓ વડોદરાના ભાયલી વિસ્તારમાં પોતાના પ્રચાર માટે સમર્થકો સાથે પહોંચ્યા હતા અને પ્રચાર દરમિયાન બાલકૃષ્ણ ઢોલાર નાગરિકોને રૂપિયાની નોટો આપી રિઝવવાનો પ્રયાસ કરતા હોવાનો વિડીયો વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે.બાલકૃષ્ણ ઢોલાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ થઇ શકે છે.
જાણો ડભોઈ બેઠકની રસપ્રદ વિગત
ડભોઈ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 140 નંબરની બેઠક છે.ડભોઈ તાલુકો વડોદરા જિલ્લાનો તાલુકો છે જે છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં આવે છે.ડભોઈનું પ્રાચીન નામ દુર્ભવતી/દર્ભાવતી/દર્ભિકાગ્રામ/દર્ભવતીપુર નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતી પડ્યું હોવાનું અમુક ઇતિહાસકારો માને છે.જ્યારે અન્ય એક સ્રોત મુજબ ડભોઇ કિલ્લાનું બાંધકામ કરનાર શિલ્પકારોમાં દુભોવે કે દુભાવે નામના મુખ્ય શિલ્પકારના નામ પરથી આ નગરનું નામ પડ્યું હોવાનું જણાવવામાં આવે છે.
સોલંકી વંશ દરમિયાન સમૃદ્ધ રહેલા આ શહેરના મંદિરોનો નાશ અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલૂઘખાને કર્યો હતો.આખા ભારતીય ઉપખંડમાં ડભોઈ ખાતે સૌપ્રથમ જાહેર વીજળી ઘર બનાવવામાં આવ્યું હતું.ડભોઇ ખાતે વિશ્વનું સૌથી મોટું નેરોગેજ રેલવેનું જંકશન આવેલું છે.ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ દયારામનો જન્મ ચાણોદમાં થયો હતો પરંતુ તેઓ ડભોઈમાં પોતાના સગાં-સંબંધીને ત્યાં રહેતા હતા.