અમદાવાદ,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવાર : કોરોના મહામારી બાદ દેશના અર્થતંત્રને ટકાવી રાખવા અને મજબૂતી આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઢીલી મોનીટરી પોલિસી લાગુ કરવામાં આવી હતી પરંતુ તેની અવળી અસર દેશના ફુગાવાના આંકડા પર પડતી જોવા મળી હતી.માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં કોરોના મહામારી બાદ ઉચકાયેલી માંગને પગલે મોંઘવારીએ માઝા મૂકી છે.
મોંઘવારીને ડામવા માટે ભારત સહિત ભારત સહિતની વિશ્વની સેન્ટ્રલ બેંકો વ્યાજ દરમાં ક્રમશઃ વધારો કરતી જોવા મળી રહી છે.ગત સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વના 28 વર્ષના બીજા સૌથી મોટા વ્યાજ દર વધારા બાદ ગઈકાલે બેંક ઓફ ઇંગ્લેન્ડે 1995 બાદનો સૌથી મોટો વ્યાજ દર વધારો કર્યો હતો અને આજે પૂરી થયેલી આરબીઆઇની મોનેટરી પોલીસીમાં રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં 0.50% નો વધારો કર્યો છે માર્ચથી શરૂ થયેલી વ્યાજ દર વધારાની આ નીતિમાં બેંચામાર્ક ગણાતા રેપોરેટમાં આ ત્રીજો સળંગ વધારો છે.આરબીઆઈએ પાંચ ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી મોનેટરી પોલિસીમાં વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કરીને રેપોરેટ 4.9થી વધારી 5.4 કર્યા છે. આ સાથે જ ભારતમાં રેપોરેટ કોરોના પૂર્વેના સ્તરે પહોંચ્યા છે.
બજાર એક્સપર્ટના અંદાજ અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ મોનિટરી પોલિસીમાં 0.35%ના વ્યાજ દર વધારાની અપેક્ષા હતી પરંતુ મોંઘવારીને કાબૂમાં લેવા માટે આરબીઆઈએ કડકાઈ દાખવીને વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કરીને અગ્રેવિસ પોલિસી બતાવી છે.રેપોરેટમાં વધારાની સાથે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા SDF પણ વધારીને 5.15% કરવામાં આવે છે.આ સિવાય MSF દર પણ 0.50 ટકા વધાર્યા છે.સૌથી મોટી વાત એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારીને કાબુમાં લેવા માટે દેશની મુદ્રા નીતિનું અકોમોડેશન મોડ પરત ખેંચ્યું છે.
GDPનું અનુમાન યથાવત –
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓગસ્ટની મોનેટરી પોલિસીના અંતે નાણાકીય વર્ષ 2023 માટે દેશના વૃદ્ધિદરનું અનુમાન 7.2 ટકા યથાવત રાખવામાં આવ્યું છે.આ સિવાય એપ્રિલ- જૂન ક્વાર્ટર માટે વ્યાજદરનું અનુમાન 6.7 ટકા મૂકવામાં આવ્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટર માટે જીડીપી ગ્રોથ 6.2%, ઓક્ટોબર ડિસેમ્બર કવાર્ટર માટે જીડીપી ગ્રોથ 4.1% અને જાન્યુઆરી-માર્ચ 2023ના ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિ દર નું અનુમાન ચાર ટકા અંદાજવામાં આવ્યું છે.
મોંઘવારી વધશે પરંતુ કાબુમાં રહેવાનો RBIનો આશાવાદ –
મોનીટરી પોલિસીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે ભારતમાં હાઉસહોલ્ડ મોંઘવારી આગામી સમયમાં ઘટવાની અપેક્ષા છે પરંતુ આરબીઆઈના નિર્ધારીત અંદાજ કરતા વધુ રહેશે.આ સાથે આરબીઆઇએ જુલાઈ સપ્ટેમ્બર માટેના ગ્રાહક સ્તરના મોંઘવારી દરનું અનુમાન 7.1% નક્કી કર્યું છે નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર ડિસેમ્બર માટે CPI ઇન્ફલેશન 6.4 ટકા અને અંતિમ ક્વોટર જાન્યુઆરી માર્ચ માટે ઇન્ફ્લેશન 5.8% રહેવાનો અંદાજ મુક્યો છે સમગ્ર નાણાકીય વર્ષ 2023 માટે ગ્રાહક સ્થરનો મોંઘવારી દર 6.7 ટકા રહેવાનો અંદાજ આજની મોનિટરી પોલિસીમાં મૂકવામાં આવ્યો છે