ગાંધીનગર : જમીન માપણી માટે હવેથી નાગરિકોએ જિલ્લા જમીન દફતર નિરીક્ષક- DILRની કચેરીએ રૂબરૂમાં અરજી કરવા જવું નહીં પડે. ૨૧ જેટલી મહેસૂલી સેવાઓની જેમ માપણીની અરજી પણ iORA પોર્ટલથી ઓનલાઈન કરી શકાશે.ઓનલાઈન સેવાના વિસ્તાર સંદર્ભે મહેસૂલમંત્રી કૌશિક પટેલ માપણીની અરજીની સાથે અરજદારને ગામ નમૂના નંબર ૭ અને ૮-અના કાગળો રજૂ કરવામાંથી મુક્તિ આપ્યાનું મંગળવારે જાહેર કર્યું હતું.
અગાઉ માપણી ફી ચલણથી બેંકમાં ભરીને કચેરીમાં રજૂ કરવાની થતી હતી.ઉપરોક્ત નિર્ણયથી iORA પોર્ટલ ઉપર જ ઓનલાઈન અરજી થતા સિસ્ટમ દ્વારા જ માપણી ફીની આપોઆપ ગણતરી થઈ જશે.એક રીતે ફી પણ ઓનલાઈન ભરી શકાશે.આ નિર્ણયથી અરજદારોને કચેરીઓમાં ધક્કા ખાવા નહી પડે.ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત કચેરીઓ અને VCA દ્વારા પહેલાથી જ ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ છે.આથી,અરજદારોના સમય પણ બચશે અને કામગીરીમાં ઝડપ આવશે. મહેસૂલમંત્રી કૌશિક પટેલે કહ્યું કે,હદ માપણી,હિસ્સા માપણી અને પૈકી માપણી પ્રકારની માપણી અરજીઓ કોઈપણ ખૂણેથી થઈ શકશે.એ અરજી સર્વેયરને ફાળવવાની પ્રક્રિયા પણ સિસ્ટમ દ્વારા સ્વયંસંચાલિત થઈ રહી છે.એટલંુ જ નહી,માપણીની તારીખ,તબક્કાવાર કામગીરીની જાણ પણ અરજી કરનારને SMS, E-mail દ્વારા થશે.અરજીની પ્રગતિ iORA પોર્ટલથી ટ્રેક કરી શકાશે.કાર્યવાહી પૂર્ણ થયા પછી માપણી શીપ પણ ઈmailથી મોકલી આપવામાં આવશે.ઉપરાંત હિસ્સા માપણીના કિસ્સાઓમાં તેમની હિસ્સા માપણી મુજબની ફેરફાર નોંધ પણ ઓનલાઈન થશે.એક રીતે જમીન માપણી માટે એક પણ વખત અરજદારને કચેરીમાં આવવું નહીં પડે.આ પ્રક્રિયામાં સરકારી રેકોર્ડ જેવા કે ગામ નમૂના નંબર ૮ અને ૮-અ ઓનલાઈન જ મેળવી લેવામાં આવશે.જેથી અરજદારને આ પ્રકારના દસ્તાવેજો પણ જમા કરાવવાની પળોજળમાંથી આપોઆપ મુક્તિ મળશે.


