– ખેડૂતો િચંતિતઃ કેરી,મગફળી,મગ,તલ,ચણાને નુકસાન
રાજકોટ,
સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવારે વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો.જેમાં ખાસ કરીને સાવરકુંડલા પંથકમાં સુપડાધાર વરસાદ વરસી ગયો હતો.આ ઉપરાંત અમરેલી,ભાવનગર,રાજકોટ અને સુરેન્દ્રનગર પંથકમાં છૂટા-છવાયા ઝાંપટા વરસી ગયા હતા.જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જૂનાગઢ,પોરબંદર, જામનગર,સોમનાથ,દ્વારકા સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી ગયો હતો.અને વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું હતું.જો કે અમૂક વિસ્તારને બાદ કરતા ક્યાંય ઝરમર ઝાપટાં વરસ્યા હોવાનું જાણવા મળે છે.
વૈશાખના પ્રારંભે આકરા તાપ આશંકા વચ્ચે કમોસમી વરસાદ વરસતા જનજીવન ચિંતાતૂર બની ગયું છે.ખેડૂતોમાં ઊચાટ ફેલાયો છે.કેરી, મગફળી, મગ, તલ, ચણાના પાકને નુકસાન થવાની ભીતિ છે.જો કે હવામાન વિભાગે,આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ પંથકમાં છૂટાછવાયાં હળવાં ઝાપટાં પડવાની આગાહી વ્યક્ત કરી છે.એ પછી આગામી દિવસોમાં રાબેતા મૂજબ આકરા તાપની શરૂઆત થવાની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વૈશાખના પ્રારંભે જ આકરા તાપની શરૂઆત વચ્ચે બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેમાં ખાસ કરીને સાવરકુંડલા પંથકમાં સુપડાધારે વરસાદ વરસી ગયો હતો.જેના કારણે નદીમાં પાણીના પૂર ઉમટ્યા હતા.આ ઉપરાંત અમરેલી પંથકમાં અનેક સ્થળે કમોસમી માવઠા વરસી જતાં રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા.દરમિયાન રાજકોટ જિલ્લાના જસદણ અને ધોરાજી, કોટડાસાંગાણી તાલુકામાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા.સાથોસાથ ચોટીલા અને ભાવનગર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર-ઝરમર ઝાપટા પડ્યાનું જાણવા મળ્યું છે.ત્યારે જૂનાગઢ પંથકના ભેંસાણ સહિતના વિસ્તારોમાં છાંટા વરસ્યા હતા.
જેના કારણે થોડીવાર માટે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ત્યારબાદ ભારે બફરાના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.આ ઉપરાંત જામનગર,દ્વારકા, ગીર-સોમનાથ, પોરબંદર અને કચ્છ સહિતના વિસ્તારમાં ગગનગોખે વાદળો છવાઈ ગયા હતા.જો કે,આ વિસ્તારોમાં છાંટા પડ્યાનું પણ જાણવા મળતું નથી.આ ઉપરાંત ભાવનગરના વલ્લભીપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા માવઠું પડી ગયું હતું.આ માવઠા સાથે લોકોના ઉનાળુ પાક બગડવાની ભીતિ સર્જાઈ છે.આ ઉપરાંત પાલીતાણા અને ગારીયાધાર પંથકમાં પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો હતો.પાલીતાણાના દુધાળા,ઘેટી સહિતના ગામડાઓ કમોસમી વરસાદ પડ્યો, તો ગારીયાધાર તાલુકાના નવાગામમાં મીની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશયી થયા હતા.જિલ્લાના ગારીયાધારમાં વરસાદ સાથે કરા પડ્યા હોવાના પણ અહેવાલ છે.