સુરત પાંડેસરામાં પ્રમુખ પાર્ક ઈન્ડસ્ટ્રિયલ પાસે બાઈક લઈ ઉભેલા યુવકને ટેન્કર ચાલકે કચડી નાંખતા ઘટના સ્થળે જ અરેરાટી ભર્યંુ મોત નિપજ્યું હતું. અન્ય એક બનાવમાં ઈચ્છાપોરમાં યુરો કંપની પાસે રસ્તો ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે અડફેટે લેતા મોત થયું હતું.પાંડેસરા શ્રીરામ નગરમાં રહેતા મંગેશ વાનખેડે(25) કેમિકલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા. રવિવારે સાંજે મંગેશ પોતાની બાઈક લઈ પાંડેસરા પ્રમુખ ઈન્ડસ્ટ્રીયલ પાસે ઉભા હતા. દરમિયાન પુરપાટ ઝડપે પસાર થતા એક ટેન્કરના ચાલકે તેમને અડફેટે લઈ કચડી નાંખ્યા હતા.
જેથી તેમનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું.અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર ઘટના સ્થળે છોડી નાસી છુટ્યો હતો.દરમિયાન રોષે ભરાયેલા લોકોએ ટેન્કરમાં તોડફોડ કરી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોના ટોળાને વિખેરીને મામલો થાળે પાડ્યો હતો. અક્સમાતના અન્ય એક બનાવમાં ઈચ્છાપોર યુપો કંપની ખાતે રહેતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હરીશભાઈ વળવી (45) 4 જાન્યુ.ના ઈચ્છાપોર યુરો કંપની પાસે રસ્તો ઓળંગતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી સારવાર માટે એમને સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું રવિવારે મોત નિપજ્યું હતું.હરીશભાઈને સંતાનમાં 4 પુત્રીઓ છે.


