નવી દિલ્હી , તા. ૧૯ :. ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી દાઉદ ઈબ્રાહીમ હાલ ભારે ડરનો સામનો કરી રહ્યો છે તેથી તેણે પોતાના પરિવારના ખાસ સભ્યોને પાકિસ્તાનની બહાર ગુપચુપ મોકલી દીધા છે.ભારતના પ્રયાસોના પરિણામે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી પાકિસ્તાન પર આતંકી નેટવર્ક વિરૂદ્ધ કાર્યવાહી કરવા ભારે દબાણ છે.હાલમાં જ ઈમરાન સરકારે જૈશના વડા મસુદ અઝહર અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ લખવી પર લાલ આંખ કરી છે.આ પછી દાઉદ ભારે ડરી ગયો છે અને તેણે પરિવારને બહાર મોકલી દીધો છે.
ભારતના ગુપ્તચર સૂત્રોએ જણાવ્યુ છે કે દાઉદે પરિવારના જે સભ્યોને પાકિસ્તાન બહાર મોકલી દીધા છે તેમા પુત્ર અને બે નાના ભાઈના બાળકો સામેલ છે.આ પહેલા દાઉદે પોતાની મોટી પુત્રી મહારૂખ માટે પોર્ટુગલ પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી. તેણીના લગ્ન મિયાદાદના પુત્ર જુનેદ સાથે થયા હતા.દાઉદ અત્યારે કરાંચીથી પોતાનો વેપલો ચલાવી રહ્યો છે.
દાઉદનો નાનો ભાઈ મુસ્તકીમ અલી કાશકર પહેલેથી દુબઈમાં છે.તે યુએઈ,બહેરીન અને કતારમાં ડી કંપનીનો બીઝનેશ સંભાળે છે.તેની યુએઈમાં ગારમેન્ટની ફેકટરી છે.ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરાંચીમાં ડીફેન્સ હાઉસીંગ વિસ્તારમાં રહેતો દાઉદનો ભાઈ અનીસ પણ બે સપ્તાહથી દેખાયો નથી.દાઉદનો સાથીદાર છોટા શકીલ પણ કયાંક છુપાઈ ગયો છે. અનીસ અત્યાર સુધી સિંધ પ્રાંતમાં મેહરાન પેપર મીલ સંભાળતો હતો જે કરાંચીથી ૧૫૪ કિ.મી. દૂર છે.ત્યાં ભારતની કરન્સી નોટ કથીત રીતે છપાતી રહી છે.ઈમરાન સરકારે કાર્યવાહી શરૂ કરતા દાઉદ હેરાન-પરેશાન છે.જો આંતરરાષ્ટ્રીય દબાણ ચાલુ રહ્યુ તો દાઉદ માટે છુપાવુ મુશ્કેલ બનશે.