ઘોઘાના સાણોદરના દલિત આઘેડની હત્યાના મામલે ઘોઘાના PSIની ધરપકડની માગ સાથે ક્લેકટરને રીતસરની રજૂઆત કરવા આવેલા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ફરી એકવાર વિવાદીત નિવેદન આપ્યું છે.મેવાણી અને ક્લેક્ટર વચ્ચે બોલાચાલી થયા બાદ તેમણે ક્લેક્ટર ઓફિસ પરિસરમાં જ જિલ્લા ક્લેક્ટરના વિરોધમાં કડવા પ્રવચન આપ્યા હતા. આકરા પ્રહાર કરીને ક્લેક્ટરની કામગીરી સામે પ્રશ્નો ઊભા કર્યા હતા.એક તબક્કે મેવાણીએ ત્યાં સુધી કહી દીધું કે,આવા કેટલાય બુદ્ધિના લઠ્ઠ આખા દેશમાં ક્લેક્ટર બનીને બેઠા છે.
20 દિવસ પહેલા ઘોઘાના સાણોદર ગામેથી આધેડ વયના અમરાભાઈ બોરીચાની હત્યાના મામલે ફરજમાં બેદરકારી બદલ ઘોઘાના PSIની ધરપકડ કરવા માટે માગ કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનો તથા દલિત આગેવાનો સાથે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ભાવનગર જિલ્લા ક્લેક્ટર ગૌરાંગ મકવાણાને આવદેનપત્ર આપવા માટે પહોંચ્યા હતા.જ્યાં ક્લેક્ટરને આવેદનપત્ર આપતી વખતે ધારાસભ્ય અને ક્લેકટર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ માથાકુટે થોડા જ સમયમાં ઉગ્ર રૂપ લઈ લીધું હતું.ક્લેક્ટરની ચેમ્બરમાં થયેલી રકઝક બાદ મેવાણીએ ક્લેક્ટર ઓફિસના પરિસરમાં જ એમના વિરોધમાં ચાબખા માર્યા હતા.ભાવનગરના જિલ્લા ક્લેક્ટર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે,ક્લેક્ટરને PSI સામે ક્યો ગુનો નોંધાયો છે એની માહિતી નથી.તેમણે એસ્ટ્રોસિટી એક્ટના નિયમ અનુસાર પીડિત પરિવારને મળી જાનમાલને નુકસાન અંગેની માહિતી મેળવવા તથા અધિકારીઓએ પ્રયાસ કરવાની પણ તસ્દી લીધી નથી. સ્થળ પર જઈને કામગીરી કરવાના પણ પ્રયત્નો કર્યા નથી. કોઈ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા પણ કરી નથી.
આ ક્લેક્ટરને ગાંધીનગરથી સૂચના આપવામાં આવે કે મૃતકના પરિવારને પોલીસ સુરક્ષા આપવામાં આવે અને ક્લેક્ટર જો આવું કરવા માટે તૈયાર ન હોય તો એમને સસ્પેંડ કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.જોકે, આવું પહેલી વખત નથી બન્યું કે, મેવાણીના આવું આક્રમક રૂપ જોવા મળ્યું હોય.અગાઉ પણ તેમણે દલિતોને લગતા ઘણા બધા મુદ્દાઓ છેક વિધાનસભા સુધી ઉઠાવેલા છે.જોકે, બોરિયા કેસ મેવાણીએ વિધાનસભામાં પણ ગજવ્યો હતો. સરકારને ખાસ કરીને ગૃહખાતા સામે પણ કેટલાક પ્રશ્નો કર્યા હતા.આ ઉપરાંત PSI સામે કાયદેસરના પગલાં લેવાની પણ માગ કરી હતી.જોકે,આ મુદ્દે મૃતકના પરિવારજનોને પણ મેવાણીનું સમર્થન મળી રહ્યું છે.


