– કાંદી ફળિયામાં આવેલા દુકાન મહોલ્લામાં મોડી રાત્રે હત્યા
સુરત : સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કાંદી ફળિયામાં પાંચેક ઈસમોએ ધાડ પાડીને આધેડને મોતને ઘાટ ઉતાર્યો હતો.આધેડ ઘરમાં એકલા રહેતા હોવાથી તેના હાથ બાંધીને મોડી રાત્રે આવેલા પાંચેક ઈસમોએ સામાન વેરવિખેર કરીને ધાડ કરી નાસી ગયા હતાં.આ અંગે મૃતકની માતાને સવારે જાણ થતાં રાડા રાડ કરી મૂકી હતી.બાદમાં પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી એફએસએલ અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ આદરી છે.મહત્વપૂર્ણ છે કે,રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પણ હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.
ડુમસના કાંદી ફળિયા વિસ્તારમાં આવેલા દુકાન મહોલ્લામાં રહેતા ભોપીન પટેલ(ઉ.વ.આ.58)ના એકલા તેમના ઘરમાં રહેતા હતાં.આ દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે પાંચેક ઈસમોએ ભોપીન પટેલના ઘરે આવીને તેના હાથ બાંધી દઈને ધાડ પાડી હતી. સવારે ભોપીનના માતા રોજના ક્રમ પ્રમાણે તેના ઘરે ગયા હતાં.ત્યારે ભોપીન હાથ બાંધેલી હાલતમાં જમીન પર પડ્યો હતો.સામાન પણ વેરવિખેર હતો.જેથી તેણીએ રાડારાડ કરીને આસપાસથી લોકોને એકઠા કર્યા હતાં.
ભોપીન પટેલના ઘરે થયેલી ધાડની માહિતી પોલીસને મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસે ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.સમગ્ર મુદ્દે પોલીસે પ્રાથમિક તબક્કે કહ્યું હતું કે, ધાડ પાડી હોય તેવી આશંકા છે.સાથે જ ઝપાઝપીમાં મર્ડર થયું હોય શકે છે હાલ વધુ તપાસ ચાલુ છે.
પાંચેક જેટલા આરોપીઓ CCTVમાં કેદ થયા છે.જેમાં એકના પાછળ કાળો થેલો લટકતો જોવા મળે છે.આરોપીઓ ઉતાવળમાં હોય તે રીતે ઉતાવળા ચાલતા અને દોડતા પણ કેદ થયા છે.હાલ પોલીસે CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર હત્યા લૂંટ-ધાડના કેસમાં થઈ હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.
સ્થાનિકોએ કહ્યું હતું કે, અગાઉ પણ આ જ વિસ્તારમાં છ મહિના પહેલા એક મોબાઈલ ચોરી થઈ હતી.જેમાં પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી લીધા હતાં.બાદમાં છ મહિના પછી આ ઘટના સામે આવી છે.જેથી સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે.બીજી તરફ સ્થાનિકોએ કહી રહ્યા છે કે રાત્રે નવ વાગ્યા બાદ કર્ફ્યૂ હોવા છતાં આરોપીઓ ભોપીનના ઘરે સુધી પહોંચી ગયા હતાં. જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કરવામાં આવ્યાં છે.