સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં નિયોલ ગામે ગોડાઉનમાંથી 23.41 લાખનો વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પકડ્યા બાદ સુરત રેન્જના ડીજીપી રાજકુમાર પાંડિયને સમગ્ર સુરત રેન્જમાં ક્રોસ રેડ કરવાની સૂચના આપતા રેન્જના 5 જિલ્લામાં પોલીસે ક્રોસ રેડ શરૂ કરી છે.જો કે વધતી ગુનાખોરી વચ્ચે દારૂ માટેના નવા ફરમાન બાદ પોલીસમાં કચવાટ પણ જોવા મળ્યો હતો.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં નિયોલ ગામે ગત તા-28 જુલાઇના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 23.81 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.ગાંધીનગરની ટીમે પકડેલા વિદેશી દારૂ બાદ સુરત રેન્જના ડીજીપી રાજકુમાર પાંડિયન એક્શનમાં આવ્યા હતા. સુરત જિલ્લામાં એક પછી એક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રેડ કરતી જાય છે અને સ્થાનિક અધિકારી ઘર ભેગા થઈ રહયા છે.આવી પરિસ્થિતીમાં જિલ્લામાં અધિકારીનો દુકાળ પડ્યો છે.બીજી તરફ સુરત રેન્જના ડીજીપીએ એલસીબી, એસઓજીના ચાર પોલીસ કર્મચારીની ડાંગ બદલી કરી દીધી છે.જેને લઈ પોલીસની કામગીરી પર પણ અસર પડી છે.જિલ્લામાં વધતી ગુનાખોરી વચ્ચે હવે રેન્જ ડીજીપીએ એક નવું ફરમાન જાહેર કર્યું છે.સમગ્ર સુરત રેન્જમાં આવતા 5 જિલ્લામાં હવે દારૂબંધી કરવા માટે ક્રોસ રેડ શરૂ કરી છે.સુરત રેન્જના વલસાડ,નવસારી,સુરત,ડાંગ અને તાપી જિલ્લામાં હાલ હંગામી ટીમ બનાવી આ પાંચ જિલ્લાની પોલીસ સુરત રેન્જ ઓફિસની સૂચના મુજબ સુરત જિલ્લામાં ક્રોસ રેડ કરવા જઈ રહી છે.આ ક્રોસ રેડને કારણે પોલીસની કામગીરી પર અસર થઈ રહી છે.એ સ્વાભાવિક છે. દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાલ ટેન્શનમાં મુકાયા છે.અન્ય જિલ્લાની પોલીસ જો ક્વોલિટી કેસ કરી જાય તો સસ્પેન્ડ થવાની શક્યતા રહેલી છે.આવી સ્થિતિમાં અન્ય કામગીરી છોડી પોલીસ દારૂના કેસ કરવા મેદાનમાં પડી છે.