ભાવનગર : શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારના ટેકરી ચોક નજીક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.તીક્ષ્ણ હથિયારના અંદાજે 20 થી વધુ ઘા ઝીંકી 22 વર્ષીય યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક આવેલા મહાનગરપાલિકાના જૂના બંબાખાનાના કમ્પાઉન્ડમાં ગત મોડીરાત્રે ટેકરી ચોક વિસ્તારમાં જ રહેતા સંજય ઉર્ફ કચોરી કાનજીભાઈ બારૈયા નામના 22 વર્ષીય યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.બપોરના સમયે કોઈ વ્યક્તિએ જૂના બંબાખાના કમ્પાઉન્ડમાં યુવાનની લાશ મળી આવતા પોલીસને જાણ કરી હતી.
હત્યાની જાણ થતાં જ ઇન્ચાર્જ સિટી ડીવાયએસપી દિનેશ કોડિયાતર, એલ.સી.બી, એસ.ઓ.જી સહિત ગંગાજળિયા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જોકે ગુનાહિત ઇતિહાસ ધરાવતા યુવાનની કોણે અને શા કારણે હત્યા કરીએ જાણવા નથી મળ્યું.પોલીસે હાલતો યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


