કાબૂલ સ્થિત રશિયન એમ્બેસીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને લઇ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.સોમવારે રશિયાની RIA ન્યૂઝ એજન્સીએ પોતાની એમ્બેસીના હવાલાથી કહ્યું કે, ગની દેશ છોડતા સમયે પોતાની સાથે ચાર કારો અને હેલિકોપ્ટરમાં ભરીને કેશ લઇ ગયા છે.રોકડ રકમ એટલી વધારે હતી કે જ્યારે હેલિકોપ્ટરમાં તે પૈસા આવ્યા નહીં તો તેને એરપોર્ટ પર જ છોડીને જતા રહ્યા.તાલિબાને પણ દાવો કર્યો હતો કે તેમને કાબૂલ એરપોર્ટ પરથી ઘણી રોકડ મળી છે. દાવો કરવામાં આવ્યો હતો કે આ 50 લાખ ડૉલરની આસપાસ છે.પણ તેની પુષ્ટિ થઇ શકી નથી.હવે રશિયાના કાબૂલ સ્થિત એમ્બેસીએ આની પુષ્ટિ કરી દીધી છે.
ગનીના લોકેશન વિશે જાણકારી નથી
અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ સાલેહે રવિવારે કાબૂલ છોડી દીધું હતું.તેમની સાથે અમુક નજીકના લોકો પણ હતા. અત્યાર સુધી એ ચોખવટ થઇ નથી કે તે કયા એરક્રાફ્ટ દ્વારા ભાગ્યા છે.તેમની લોકેશન વિશે પણ જાણકારી સામે આવી નથી.અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ગની તજાકિસ્તાનમાં છે તો અમુકે કહ્યું કે તે અમેરિકા ગયા છે.રવિવારે રાતે એક ફેસબુક પોસ્ટમાં ગનીએ કહ્યું હતું કે જો તે કાબૂલમાં રોકાતે તો રક્તપાત થાત, માટે તેમણે દેશ છોડવાનો નિર્ણય કર્યો. તેમણે તાલીબાનને અપીલ કરી કે તેઓ દેશમાં શાંતિ જાળવવાનું કામ કરે.
રશિયાએ સોમવારે એક નિવેદનમાં ચોખવટ કરી કે તે કાબૂલમાં પોતાની એમ્બેસી બંધ કરશે નહીં.રશિયાએ કહ્યું કે, અમે તાલિબાન સાથે સંબંધ બનાવવાની કોશિશ કરીશું પણ તેને માન્યતા આપવામાં કોઇપણ રીતની ઉતાવળ કરવામાં આવશે નહીં. અમે તાલિબાનના વર્તન અને કામો પર નજર રાખીશું.કાબૂલમાં રશિયન એમ્બેસીના પ્રવક્તા નિકિતા આઇચેંકોએ કહ્યું કે, ગનીએ કાબૂલ છોડી દીધું છે.ચાર કારો અને એક હેલિકોપ્ટરમાં કેશ રાખ્યા હતા.તે એટલું વધારે હતું કે તેમાં રોકડ સમાઇ શકી નહીં. માટે અમુક પૈસા કાબૂલ એરપોર્ટ પર જ છોડી ગયા.તેમણે દાવો કર્યો કે તેમની પાસે આ જાણકારી સાક્ષીઓના હવાલાથી આવી છે.
અમુક પૈસા તો છોડી જ ગયા હશે
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અફઘાન મામલાઓ પર સ્પેશ્યિલ એડવાઇઝર જામિર કાબૂલોવે રવિવારે કહ્યું હતું કે, અમે એ નથી જાણતા કે ભાગનારી સરકાર દેશ માટે કેટલા પૈસા છોડીને ગઇ છે.આશા કરીએ છીએ કે અમુક પૈસા તો તેઓ જરૂર છોડી ગયા હશે, કારણ કે આખી રોકડ લઇ જવી શક્ય નથી.