– વરિષ્ઠ IAS અધિકારી પંકજ જોષીને મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે.
ગાંધીનગર : ગુજરાતના 17મા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે.તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી તરત જ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો.હવે શપથ લીધાના ત્રીજા જ દિવસે તેમણે પોતાની ટીમમાં ચાર નવા આઇએએસ અધિકારીઓની નિમણૂક કરી છે.
પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા છે.તો મનોજ કુમાર દાસને આ જગ્યાએથી દૂર કરવામાં આવ્યા છે.તો અશ્વિનીકુમારને સ્થાને અવંતિકા સિંઘની નિમણૂંક કરાઈ છે.અવંતિકા સિંઘ CMO સચિવ બન્યા છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે એમડી મોડિયાની નિમણૂંક કરાઈ છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે NN દવેની નિમણૂંક કરાઈ છે.
વરિષ્ઠ IAS અધિકારી પંકજ જોષીને મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે.પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે.આઇઆઇટી,નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમ.ફીલ સાથે ઉત્તીર્ણ થયા છે.પંકજ જોશીને ગુજરાત IAS અધિકારીઓમાં સૌથી શિક્ષિત અને ટેક્નોક્રેટ અધિકારી ગણવામાં આવે છે.
પંકજ જોશી વર્ષ 1989માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા.આ દરમિયાન ગુજરાતમાં તેમણે લગભગ 20 વર્ષ સુધી જમીન મહેસૂલ,કર્મચારી અને સામાન્ય વહીવટ,શહેરી વિકાસ અને શિક્ષણ વિભાગમાં વિવિધ વિભાગોમાં ગુજરાત સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે.તેમણે કેન્દ્ર સરકાર સાથે શહેરી વિકાસ,સામાજિક ન્યાય અને અધિકારીતા,જાહેર પરિવહન વગેરે જેવા વિવિધ વિભાગોમાં લગભગ 6 વર્ષ સુધી કામ કર્યું છે.તેમને વિવિધ ક્ષેત્રોમાં જાહેર વહીવટ અને નીતિમાં બહોળો અનુભવ છે.તેઓ સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સચિવ હતા.ગુજરાતના તેઓ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ,ગુજરાત એકેલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ,ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ,સરદાર સરોવર નિગમ,ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી લિમિટેડ,ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ,ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના બોર્ડમાં ડિરેક્ટર પણ છે.તે ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના ચેરમેન હતા.હાલમાં,તેઓ ગુજરાત સરકારના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ છે.