અમારા મંત્રીને હટાવ્યા એટલે પત્યું !! સૌરાષ્ટ્રમાં ઉકળતો ચરુ : ધડાકા-ભડાકાના એંધાણ

237

– કોળી,પાટીદાર,ક્ષત્રિય, બ્રાહ્મણ સમાજ મેદાને: અમારા નેતા તેમની તાકાતથી જીતે છે, કોઈના ચહેરા પર નહીં ! ટેકેદારોની ચોખ્ખીને ચટ વાત
– ફળદુ-હકુભાને પડતાં મુક્યા બાદ રાઘવજી પટેલને મંત્રીપદ આપીને હાઈકમાન્ડે જામનગરને સાચવી લીધું
– જેમના પડ્યા બોલ ઝીલાય છે તેવા નેતાઓને પડતા મૂકી ભાજપ તેમના વિકલ્પરૂપે કોને સમાવે છે તે પણ જોવું રસપ્રદ

ગુજરાતના રાજકારણમાં ક્યારેય જોવા ન મળી હોય તેવી ઘટનાઓ છેલ્લા છ દિવસથી આકાર લઈ રહી છે.પહેલાં મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીનું અચાનક રાજીનામું અને ત્યારપછી તેમના પદ પર બીરાજમાન થવા માટે વહેતા થયેલા અનેક દિગ્ગજોના નામો વચ્ચે ભૂપેન્દ્ર પટેલનું નામ નીકળવાની ઘટનાએ ગુજરાતના લોકોને જોરદાર આંચકો આપ્યો હતો.જો કે અસલ ‘રમત’ તો છેલ્લા બે દિવસથી ખેલાઈ રહી છે.ભાજપ મોવડીમંડળે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં રૂપાણી મંત્રીમંડળના એક પણ મંત્રીને નહીં સમાવવા ઉપરાંત ‘નો-રિપિટ થિયરી’ મતલબ કે મંત્રીપદું શોભાવી ચૂકેલા એક પણ નેતાને ફરીથી મંત્રી નહીં બનાવવાનો નિર્ણય લીધા બાદ ભડકો થઈ ગયો હતો અને તે ભડકાની આંચ છેક દિલ્હી દરબાર સુધી પહોંચી હતી અને તેના કારણે જ ભાજપે ગઈકાલે યોજાનારો શપથવિધિ સમારોહ આજ ઉપર ટાળવો પડ્યો હતો.

હવે ધીમે-ધીમે નવા મંત્રીમંડળની તસવીર સાફ થઈ રહી છે તેની સાથે સાથે જૂના જોગીઓને પડતાં મુકાવાની શક્યતાઓ પ્રબળ બનતી જઈ રહી છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર ‘નો-રિપિટ થિયરી’ની ભારે અસર પડે તેમ છે કેમ કે અહીંથી 9 દિગ્ગજ મંત્રીઓ મંત્રીમંડળમાં સામેલ છે અને હવે તમામને પડતાં મુકાવાની અટકળ વહેતી થતાં જ તેમનો સમાજ મેદાને આવી ગયો છે અને સ્પષ્ટપણે કહી રહ્યો છે કે ‘અમારા સમાજના મંત્રીને પડતાં મુક્યા એટલે પત્યું…!’ એકંદરે અત્યારે સૌરાષ્ટ્રમાં ઉકળતો ચરું જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મોટા ધડાકા-ભડાકા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કુંવરજી બાવળિયા,જયેશ રાદડિયા,આર.સી.ફળદુ,જવાહર ચાવડા,સૌરભ પટેલ,પુરુષોત્તમ સોલંકી, વિભાવરી દવે,હકુભા જાડેજા,વાસણ આહિર સહિતના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાને કારણે તેમના સમાજ દ્વારા રજૂઆતોનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.વિવિધ સમાજનું સ્પષ્ટ કહેવું છે કે આ તમામ નેતાઓ પોતાની તાકાત પર જીતતા આવ્યા છે નહીં કે કોઈના નામ ઉપર…!

જયેશ રાદડિયા

જામકંડોરણા બેઠક પરથી ‘અજેય’ રહેલા અને સહકારી ક્ષેત્રની જેમના વગર કલ્પના ન થઈ શકે તેવા જયેશ રાદડિયા રૂપાણી મંત્રીમંડળમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી સહિતના વિભાગો સંભાળી રહ્યા હતા.હવે તેમને પડતાં મુકવાની વાત વહેતી થઈ છે ત્યારે પાટીદાર સમાજ તેમજ રાદડિયાના ટેકેદારો આગબબૂલા થઈ ગયા છે અને જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં યથાવત રાખવા ઠેર-ઠેર રજૂઆતો પણ કરી છે.જયેશ રાદડિયા રાજકોટ,ગોંડલ,જેતપુર,ધોરાજી, કંડોરણા,પોરબંદર સુધીના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતાં હોવા છતાં તેમને પડતાં મુકીને ભાજપ મોટો ‘જુગાર’ ખેલી રહ્યાનું પણ રાજકીય પંડિતો માની રહ્યા છે.

કુંવરજી બાવળિયા

કોંગ્રેસ હોય કે ભાજપ, બન્નેમાંથી ધારાસભાની ચૂંટણી જીતનારા અને કોળી સમાજ ઉપર મજબૂત પક્કડ ધરાવતાં કુંવરજી બાવળિયાનું પત્તું કપાઈ જશે તેવી અટકળો વહેતી થતાં જ કોળી સમાજ મેદાને આવી ગયો છે.આટલું ઓછું હોય તેમ કુંવરજી બાવળિયાના ભત્રીજાએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો છે ત્યારે બાવળિયા જળવાઈ રહે છે કે કપાય છે તે જોવું રહ્યું.બાવળિયાની મરજી વગર જસદણ-વિંછીયા સહિતના લગભગ તમામ વિસ્તારોમાં પાંદડું પણ હલી શકતું નથી ત્યારે તેમને પડતાં મુકવા ભાજપને કેટલા ભારે પડે છે તે તો આવનારો સમય બતાવશે.

વાસણ આહિર

કચ્છનું મોટું માથું અને ભલભલા હરિફોને હંફાવનાર વાસણ આહિરને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી ત્યારે આહિર સમાજ મેદાને આવી ગયો છે અને જોરદાર વિરોધ કરી રહ્યો છે.જે રીતે બે દિવસ પહેલાં જ વાસણ આહિરને ઓફિસ ખાલી કરી દેવા કહી દેવાયું હતું તેને જોતાં તેમને સ્થાન મળવું લગભગ અનિશ્ર્ચિત લાગી રહ્યું હતું.આ ઘટના બાદથી જ વિરોધ શરૂ થઈ ગયો હતો. હવે ભાજપે કચ્છમાંથી મહિલા ધારાસભ્ય નીમાબેન આચાર્યને મંત્રીમંડળમાં સમાવવાનો નિર્ણય લીધો છે ત્યારે આ નિર્ણયની સકારાત્મક અસર પડે છે કે નકારાત્મક તે તો આવનારો સમય જ બતાવશે.

જવાહર ચાવડા

કોંગ્રેસ અને ભાજપ બન્નેમાંથી ચૂંટણી લડીને શાનદાર જીત હાંસલ કરનારા આહિર સમાજના ‘ભામાશા’ જવાહર ચાવડાને પણ પડતાં મુકવામાં આવે તેવા ભણકારા વચ્ચે જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે.તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળીને ચૂંટણી જીતનારા જવાહર ચાવડા પ્રવાસન મંત્રી તરીકે કાર્યરત હતા.જવાહર ચાવડાનું માણાવદર, ગીર-સોમનાથ સહિતના આહિર બેલ્ટમાં જોરદાર પ્રભુત્વ છે તે ભાજપ હાઈકમાન્ડ પણ જાણે છે આમ છતાં તેને પડતાં મુકવાનો જુગાર કેટલો સફળ નિવડે છે તે તો આવનારો સમય જ બતાવશે.

વિભાવરીબેન દવે

બ્રાહ્મણ સમાજમાંથી આવતાં ભાવનગરના વિભાવરીબેન દવેને હટાવી તેમના સ્થાને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પાટીદાર અગ્રણી જીતુભાઈ વાઘાણીને મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દાને લઈને બ્રાહ્મણ સમાજમાં વિરોધનો વંટોળ ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે.જો કે હાઈકમાન્ડે ભાવનગરમાં એકને મુકી બીજાને સમાવી લઈને વિરોધને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમાં સફળતા મળે છે કે કેમ તે જોવું રહ્યું.

પુરુષોત્તમ સોલંકી

કોળી સમાજ ઉપર મજબૂત પક્કડ ધરાવતાં નેતાઓમાં જેમની ગણતરી થાય છે તે પુરુષોત્તમ સોલંકીને પણ નો-રિપિટ થિયરી હેઠળ પડતાં મુકી દેવાય તેવી શક્યતા છે ત્યારે તેની અસર ભાવનગર,અમરેલી,રાજુલા સહિતના વિસ્તારોમાં જોવા મળી શકે છે.સોલંકીના સમાજનું સ્પષ્ટ કહેવું છે કે પુરુષોત્તમ સોલંકી તેમના નામ ઉપર જ જીતતાં આવ્યા છે નહીં કે કોઈ અન્ય દિગ્ગજ નેતાના નામે…તેમને પડતાં મુકીને ભાજપ મોટી ભૂલ કરી રહ્યો છે અને તેના પરિણામ પણ માઠા આવી શકે છે.

આર.સી.ફળદુ

રૂપાણી સરકારમાં કૃષિમંત્રી તરીકે કાર્યરત રહેલા જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય આર.સી.ફળદુને પડતાં મુકવામાં આવી શકે છે.ફળદુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યંત નજીકના ગણાય છે ત્યારે તેમને પડતાં મુકીને ભાજપ શું મેસેજ આપવા માંગે છે તે પ્રશ્ર્ન અત્યારે રાજકારણમાં ચર્ચાની એરણે ચડી ચૂક્યો છે. જો કે ભાજપ હાઈકમાન્ડે રાઘવજી પટેલને મંત્રીમંડળમાં સામેલ કરીને જામનગરને સાચવી લીધું હોવાની ચર્ચા પણ જોરદાર શરૂ થઈ ચૂકી છે.

ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા

જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરતાં ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને પડતાં મુકવામાં આવી શકે છે તેવી ચર્ચાએ જોર પકડતાં જ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જામનગરથી બે ધારાસભ્યો મંત્રીમંડળમાં સામેલ હતા પરંતુ ભાજપ બન્નેને હટાવીને અહીંથી રાઘવજી પટેલને મંત્રી બનાવી રહ્યો હોવાથી આગામી સમયમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે. હકુભા ક્ષત્રિય સમાજના દિગ્ગજ આગેવાન છે જેથી તેમને પડતાં મુકવા જોખમકારક સાબિત થાય તેવી સંભાવના રાજકીય નિષ્ણાતો અવગણી રહ્યા નથી.

સૌરભ પટેલ

રૂપાણી સરકારમાં ઉર્જામંત્રી તરીકે કાર્યરત અને કોર્પોરેટ મેનેજમેન્ટમાં માહેર એવા બોટાદ બેઠકના ધારાસભ્ય સૌરભ પટેલ પણ પડતાં મુકાઈ શકે છે તેવી અટકળો શરૂ થતાં જ પાટીદાર સમાજ રોષિત થયો છે અને તડાફડી કરવાની તૈયારી કરી રહ્યો છે. સૌરભ પટેલ ભાજપના સિનિયર નેતાઓ પૈકીના એક નેતા છે આમ છતાં તેને પડતાં મુકાશે તેવા અહેવાલો પ્રસિદ્ધ થતાં જ તેમના ટેકેદારો વિરોધ કરવા મેદાને ઉતરી ગયા છે.

આદિવાસી-ઠાકોર સમાજ પણ આગગબૂલા : સંકટમોચક પ્રદિપસિંહ જાડેજાની બાદબાકી સામે પણ વિરોધ સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મંત્રીમંડળમાં ફેરફારને લઈને ઘેરા પડઘા જોવા મળી રહ્યા છે.આદિવાસી સમાજમાંથી આવતાં ગણપત વસાવાને પડતાં મુકાવાની વાત શરૂ થતાં જ આદિવાસી સમાજ વિરોધ કરવા મેદાને આવી ગયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા દિલીપ ઠાકોરને પણ સ્થાન નહીં મળતાં તેમનો ઠાકોર સમાજ ઉગ્ર વિરોધ કરી રહ્યો છે.ખાસ કરીને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પડતાં મુકવાની અટકળો શરૂ થતાં જ અમદાવાદ જિલ્લામાં વિરોધ શરૂ થઈ ગયો છે કેમ કે પ્રદીપસિંહ વર્ષોથી ભાજપના સંકટમોચક ગણાય છે અને તેમણે વર્ષો સુધી ગુજરાતના રાજકારણમાં આગવું સ્થાન જાળવી રાખેલું છે.

Share Now