
– મફતખોરીના વચનો આપતા પક્ષોની નોંધણી રદ કરવાની માગ કરતી પીઆઇએલ.ચાર સપ્તાહની અંદર જવાબ આપો, રાજકીય પક્ષોને પણ પક્ષકાર બનાવવા વિચારીશું : સુપ્રીમની સ્પષ્ટતા
નવી દિલ્હી : ચૂંટણીઓમાં મફત વસ્તુઓ આપવાના વચનો રાજકીય પક્ષો આપતા હોય છે.જેના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ થઇ હતી.આ પીઆઇએલની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.
પીઆઇએલમાં માગ કરાઇ છે કે ચૂંટણીઓમાં મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો મફતમાં વસ્તુઓ આપવાના જે વચનો આપે છે તે એક પ્રકારની લાંચ છે.અને તેથી આવા વચનો આપતા પક્ષોના જે સિમ્બોલ છે તેને જપ્ત કરવામાં આવે.
આ પીઆઇએલમાં એવી પણ માગ કરાઇ છે કે આવા વચનો આપતા પક્ષોને અટકાવવા માટે વિશેષ કાયદો પણ ઘડવો જોઇએ.સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્ના અને ન્યાયાધીશ એ એસ બોપન્ના તેમજ હીમા કોહલીની બેંચે કેન્દ્ર સરકાર પાસેથી આ પીઆઇએલને લઇને જવાબ માગ્યો છે.સાથે જ ચૂંટણી પંચને પણ નોટિસ પાઠવી છે.સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર અને ચૂંટણી પંચે ચાર સપ્તાહની અંદર જવાબ આપવાનો રહેશે.
જાણીતા વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા આ પીઆઇએલ વકીલ વિકાસસિંહ દ્વારા દાખલ કરાઇ હતી.જેમાં એવી પણ માગણી કરાઇ હતી કે જે પણ પક્ષો ચૂંટણીઓમાં મફત વસ્તુઓ આપવાની માગણી કરતા હોય તેમની નોંધણી રદ કરવામાં આવે.
અને પક્ષનો સિમ્બોલ પણ જપ્ત કરી લેવામાં આવે.આ પ્રકારના વચનો આપવા એક રીતે મતદારોને લાંચ આપવા બરાબર છે.સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે અમે આ અંગે વિચારીશું, હાલ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પોતાનો જવાબ રજુ કરશે.
આગામી દિવસોમાં આ મામલામાં રાજકીય પક્ષોને પણ પક્ષકાર બનાવવાની વાત સુપ્રીમ કોર્ટે કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મફત વસ્તુઓના વચનો આપવા ખરેખર ગંભીર બાબત છે.જે પક્ષો વધુ વચનો આપે છે તેને વધુ લાભ પણ મળતા હોય છે.
અને ચૂંટણી જીતવાની આવા પક્ષોની તકો પણ વધી જતી હોય છે.સુપ્રીમ કોર્ટમાં દલીલો વખતે વકીલે એવો પણ દાવો કર્યો હતો કે આ રીતે રાજકીય પક્ષો દ્વારા મફતમાં વસ્તુઓના વચનો આપવા તે લોકશાહી માટે એક ખતરો પણ છે.
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓમાં પારદર્શીતા જળવાઇ રહે તે માટેના પ્રયાસો થઇ રહ્યા છે પણ બીજી તરફ રાજકીય પક્ષોને આ રીતે મફત ચીજ વસ્તુઓના વચનો આપવાની ખુલ્લી છુટ આપવાથી ચૂંટણી પ્રક્રિયા પર માઠી અસર પહોંચે છે.આ પીઆઇએલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્ય સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આગામી મહિનાઓમાં યોજાવા જઇ રહી છે.