ચિનગારી કોઇ ભડકે તો… જાણો, સોવિયત રશિયા અને અમેરિકા વચ્ચે અણુયુધ્ધ ફાટી નિકળે તેવા 6 રસપ્રદ કિસ્સાઓ

456

નવી દિલ્હી, 28 ફે્બ્રુઆરી, 2022,સોમવાર : યુક્રેન મામલે રશિયાના વ્લાદિમીર પૂટિને ન્યૂકિલયર ફોર્સને તૈયાર રહેવા આદેશ આપતા દુનિયામાં હાહાકાર મચી ગયો છે.સૌ જાણે છે જાણી જોઇને કે ગેર સમજણથી પણ જો ન્યૂકિલયર વોર એક વાર ફાટી નિકળે તો દુનિયામાં ત્રીજુ વિશ્વયુધ્ધને કોઇ અટકાવી શકે તેમ નથી.સામ્યવાદી સોવિયત સંઘ અને મૂડીવાદી અમેરિકા વચ્ચે 1950 થી1990 સુધી ચાલેલા કોલ્ડ વોરના ગાળામાં પણ અમેરિકા અને રશિયા અનેક વાર ન્યૂકલિયર વોરની નજીક પહોંચી ગયા હતા.

એ સમયે બંને મહાસત્તાઓ જેમાં ન્યુકલિયર પાવરના જોરે એક બીજા પર હુમલો માટે પોતાની આર્મિને સ્ટેન્ડ બાય રાખતા હતા.રશિયા અને અમેરિકા વચ્ચેના આ કોલ્ડવોર દરમિયાન ન્યુકલીઅર વેપન્સની તબાહીમાંથી દુનિયા બચી ગઇ હોય એવી 6 ઘટનાઓ બની હતી.જેને ફેલાવવા માટે એક જ ચિનગારીની જરુર હતી પરંતુ પૃથ્વીવાસીઓનું નસીબ હતું કે ચિનગારીએ ભડકાનું સ્વરુપ લીધું ન હતું.

5 ઓકટોબર 1962માં કયૂબા સંકટમાં મિસાઇલ પરીક્ષણે ગેરસમજ ઉભી કરી હતી

અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેના લાંબા કોલ્ડવોરમાં કયૂબન મિસાઇલ સંઘર્ષ સૌથી તણાવથી ભરેલો રહયો હતો. 25 ઓકટોબર 1962માં અમેરિકાની એયરબેસ સિસ્ટમ પર ચોકી પહેરો કરતા સૈનિકોને રડાર પર કંઇક હલચલ જણાઇ હતી.તેમને લાગ્યું કે અમેરિકા તરફ સોવિયત રશિયાના મિસાઇલો છુટયા છે.આ એ સમય હતો જયારે અમેરિકી સેના પરમાણુ યુદ્ધ માટે હંમેશા હાઇ એલર્ટ પર રહેતી હતી.

અમેરિકી સૈન્યએ તો રશિયન મિસાઇલના ખતરાને પારખીને એલાર્મ સિસ્ટમ પણ ચાલું કરી દીધી. જેમાં ભૂલથી એટેકનો સિગ્નલ આપી દેતા પરમાણુ બોંબ ધરાવતા વિમાનો રન વે પર આવી ગયા.રશિયાનો ખુડદો બોલાવવા માટેના છેલ્લા આદેશની રાહ જોવાતી હતી ત્યારે જ એવું જાણવા મળ્યું કે કેલિફોર્નિયાના વેંડનબર્ગ એર બેસ પર અમેરિકાએ જ પ્રશાંત મહાસાગરની ઉપર ટાઇટન સેકન્ડ નામના રોકેટનું પરીક્ષણ કર્યુ હતું.ગફલતથી રડાર યુનિટે પોતાના જ રોકેટને સોવિયત રશિયાનું સમજી લીધું હતું.

ટ્રિનીટી સાઇટ પર એકિસડેન્ટ થતા મિસાઇલોના ટોપકા ઉંચા થયા હતા (24 નવેમ્બર 1964)

અમેરિકાના ન્યૂકલીઅર વેપેન્સની ટ્રીનિટી સાઇટ પર રડાર સિસ્ટમની ચાપતી નજર રહેતી હતી. આ રડાર સિસ્ટમ અમેરિકી સેનાના સ્ટ્રેટેજિક એયર કમાન્ડ હેડ કવાર્ટર નેબ્રાસ્કા અને નોરાડ સાથે પણ જોડાયેલી હતી.24 નવેમ્બર 1964ના રોજ રડારની કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ જતા અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો.સામાન્ય રીતે આવું દુશ્મન દેશે હુમલો કર્યો હોય ત્યારે જ બને છે.

નોરાડના અધિકારીઓએ લોકલ ટેલીફોન લાઇન પરથી ફોન જોડવા પ્રયાસ કર્યો પરંતુ ડાયલ ટોન સંભળાતો ન હતો.આથી સોવિયત સંઘ રશિયાએ હુમલો કર્યો હોવાનું માનવા સિવાય બીજુ કારણ રહયું ન હતું.

આવા સંજોગોમાં તરત જ પરમાણુ હથિયારોથી સજજ યુદ્દ વિમાનોને હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.છેલ્લી 12 મીનિટ બાકી હતી ત્યારે બી 52 જેવા ઘાતક વિમાનોના એન્જિન પણ ચાલુ થઇ ગયા હતા. એરફોર્સ માત્ર એક અંતિમ આદેશની રાહ જોતી હતી.

આવી સ્થિતિમાં પહેલીથી જ ઉડાન ભરીને ચકકર મારતા વિમાનના એક પાયલોટે રડાર સિસ્ટમ પાસે ધુમાડો ઉડતો જોયો.તપાસ કરતા માલૂમ પડયું કે આ શોર્ટ સર્કિટ કે કોઇ એકસિડન્ટના કારણે થયું હતું.જો આ નકકી ના થઇ શકયું હોતતો 1000 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડતા બી 52 વિમાનો બે કલાકમાં રશિયા પહોંચી તબાહી મચાવી દિધી હોત.

નોરાડની એલાર્મ સિસ્ટમેથી સૌના શ્વાસ અટકી ગયા હતા.( 20 ફેબ્રઆરી 1971)

કોલ્ડવોરના જમાનામાં અમેરિકાએ ઇમરજન્સી મેસેજ કરીને લોકોને જાગ્રુત રાખવા માટે એલાર્મ સિસ્ટમ સમગ્ર દેશમાં લગાવી હતી.જેમાં સોવિયત રશિયાના હુમલાઓથી કેવી રીતે બચવું તે અંગે માહિતી આપવામાં આવતી હતી.

આ અંગેનો સંદેશ દર શનીવાર પ્રસારિત કરવામાં આવતો હતો.20 ફેબ્રઆરી 1971ના રોજ અમેરિકી સૈન્ય સેવા નોરાડે ભૂલથી ટેસ્ટીંગ ટેપના સ્થાને સાચુંકલા હુમલાના સમયનો મેસેજ પ્રસારિત કર્યો.જેમાં રાષ્ટ્રપતિ તરફથી ઇમરજન્સી મેસેજ આવશે તેવી વાત કરી હતી.આથી લોકો એવું સમજયા કે અમેરિકા પર રશિયાનો હુમલો શરુ થઇ ચુકયો છે.આ પ્રકારના સંદેશાઓ રેડિયો સ્ટેશન પરથી પણ પ્રસારિત થવા લાગ્યા હતા.આ એક ભૂલના કારણે અમેરિકનોના શ્વાસ અટકી ગયા હતા.

એક અફસરે કમ્પ્યૂટર સર્ચ કરી પરમાણુ હુમલાનો માહોલ ઉભો કર્યો

9 નવેમ્બર 1979ના રોજ એક આર્મિ ઓફિસર કમ્પ્યૂટર પ્રોગામને ચેક કરતો હતો. જેમાં સોવિયત સંઘ દ્વારા એક સાથે 1000 પરમાણુ મિસાઇલ અમેરિકા પર ફેકાય તેવા સંજોગોમાં શુ કરવું તેની માહિતી આપવામાં આવી હતી.

આ કમ્પ્યૂટર અમેરિકી સેનાના મુખ્ય કાર્યાલય નોરાડના ક્મ્પ્યૂટર સાથે કનેકટેડ હતું.આથી નોરાડના કંટ્રોલ રુમે અમેરિકી સૈન્ય મુખ્યાલય પેન્ટાગોનમાં 1000 મિસાઇલ હુમલાનો સંદેશો મોકલ્યો હતો.

એ સમયના સેનેટર ચાર્સ પર્સીએ નોંધ્યું છે કે સોવિયત સંઘે અમેરિકા પર હુમલો કર્યો છે તેવું પેન્ટાગોને માની જ લીધું હતું.અમેરિકાએ હુમલો કરવા માટે વિમાનોનો કાફલો તૈયાર કરી લીધો હતો.અમેરિકાના રાષ્ટ્રપતિ નિકસનને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ત્યાર બાદ નોરાડના કમાંડરને થયું કે સમગ્ર સ્થિતિની પુરેપુરી જાણકારી ફરીથી લેવી જોઇએ.તેમણે રડાર સ્ટેશનનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે એક સાથે 1000 મિસાઇલો રડારમાં ના પકડાય તે શકય ન હતું.દુનિયાના કોઇ પણ ખૂણામાં છોડવામાં આવેલી મિસાઇલ વિશે જાણવા સક્ષમ એવા સેટેલાઇટ સ્ટેશનોએ પણ આવી કોઇ મિસાઇલ છોડવામાં આવી હોવાની વાતનો ઇન્કાર કર્યો.

છેવટે હુમલાનો મેસેજ મોકલનારા ક્મ્પ્યૂટરની તપાસ થતા અજાણતા આર્મિ અફસરથી થયેલી ભૂલ પકડાઇ હતી.ત્યારબાદ અમેરિકાની સેનાએ રશિયા પર હુમલાનો આદેશ પાછો લીધો હતો.એ સમયે જો થોડીક ચૂક થઇ હોત તો સોવિયત સંઘ અને અમેરિકા એક બીજા પર પરમાણુ હુમલાની જરાં પણ વાર કરવાના ન હતા

3 જુન 1980માં 220 ઇનકમિંગ મિસાઇલના મેસેજે હોંશ ઉડાવી દિધા હતા

અમેરિકાના સૈનિક થાણા નોરાડ ખાતે નાઇટ શિફટમાં કામ કરતા એક અધિકારીએ એલર્ટ સ્ક્રિન પર જોયું તો ઇનકમિંગ મિસાઇલનો સંદેશ હતો.ત્યાર બાદ 2 ઇનકમિંગ મિસાઇલનો મેસેજ આવવા લાગ્યો હતો. આમાં તે કશું કરે તે પહેલા તો 220 ઇનકમિંગ મિસાઇલ એવા મેસેજે તેના હોંશ ઉડાવી દિધા હતા.

તેણે તરત જ એલાર્મ સિસ્ટમ દબાવી દેતા અમેરિકાના સેના એકશનની પોઝિશનમાં આવી ગઇ હતી. ફાઇટર વિમાનો રન વે પર આવી ગયા હતા.અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બિગેન્યુ બ્રેજિસ્કીને જગાડીને આ સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી હતી.જો કે રડાર સિસ્ટમના કમ્પ્યુટરમાં વાઇરસના કારણે આમ થયું હતું.તેની છેલ્લી ઘડીએ ખબર પડતા વિમાનોના એન્જિન બંધ કરવામાં આવ્યા હતા.

25 જાન્યુઆરી 1995 – જયારે રશિયાના વૈજ્ઞાનિકોને ત્રીજા વિશ્વયુધ્ધની ગંધ આવી

શીતયુધ્ધને સમાપ્ત થયાને 5 વર્ષ થયા હતા છતાં રશિયા હંમેશા પોતાના સૈન્યને એલર્ટ મોડ પર રાખતું હતું. 25 જાન્યુઆરી 1995માં નોર્વે દેશ દ્વારા એક મિસાઇલનું પરીક્ષણ કર્યુ તેની દિશા રશિયા તરફની હતી. નોર્વેના વૈજ્ઞાનિકો દ્વારા થનારા આવા પ્રયોગ અંગે રશિયાને કોઇજ આગોતરી જાણકારી ન હતી.રશિયાની રડાર સિસ્ટમે તેને અમેરિકાનો હુમલો સમજી લીધો.

રશિયાના ડિફેન્સે તરતજ રશિયાના રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તિસિનને જાણ કરી હતી.યેલ્તિસિને માત્ર 10 મીનિટમાં પરમાણુ હુમલાનો નિર્ણય લેવાનો હતો તેમાંથી 9 મીનિટનો સમય પસાર વિતી ગયો હતો.માત્ર એક મીનિટની વાર હતી બોરિસે છેલ્લી ઘડીએ ફોન ઉપાડીને હુમલાનો આદેશ આપવાનો નિર્ણય લીધો હતો.

આ જ સમયે રશિયા તરફ આવી રહેલું મિસાઇલ સમુદ્રમાં ખાબકયું હોવાનો રડાર મેસેજ મળતા આદેશ થોભાવી દિધો હતો.જો બધુ સમુસૂતરું પાર ના ઉતર્યુ હોતતો નોર્વેના વૈજ્ઞાનિકોની આ બેવકૂફી આખી દુનિયાને ભારે પડી હોત એમાં શંકાને સ્થાન નથી.

Share Now