– રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખની વિચિત્ર સલાહ નાટો કાગળના વાઘ જેવું સંગઠન,પુતિન હોંશિયાર પણ મૂળ સમસ્યા એ છે કે બાઇડેન અતિ મૂર્ખ છે : પૂર્વ પ્રમુખ
વોશિંગ્ટન : રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે.બન્ને દેશોના અનેક જવાનો અને નાગરિકો માર્યા ગયા છે.એવા સમયે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિચિત્ર પ્રકારની સલાહ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેનની સરકારને આપી છે.ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ વિમાન પર ચીનનો ઝંડો લગાવીને રશિયા પર બોમ્બ ફેકી દેવો જોઇએ.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે યુક્રન પર રશિયાના હુમલા મુદ્દે નાટો અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન મુર્ખાઓની જેમ કામ કરી રહ્યા છે.જોકે સાથે જ હુમલાખોર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ટ્રમ્પે વખાણ પણ કર્યા હતા અને તેમને હોશિયાર નેતા ગણાવ્યા હતા.
ટ્રમ્પે રિપબ્લિકન નેશનલ કમિટીના મુખ્ય દાનદાતાઓ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમેરિકાએ એફ-22 યુદ્ધ વિમાનો પર ચીનનો ઝંડો લગાવીને રશિયાને બોમ્બથી ઉડાવી દેવું જોઇએ.પછી એવું જાહેર કરી દેવું જોઇએ કે આ હુમલો ચીન દ્વારા કરવામાં આવ્યો હતો.જેથી રશિયા અને ચીન વચ્ચે તકરાર વધે.
હાલ રશિયા અને ચીન બન્ને મિત્ર દેશ બની ગયા છે જેને પગલે ટ્રમ્પે આ પ્રકારની સલાહ આપી હતી.નાટો હાલ યુક્રેનની મદદ કરવામાં નિષ્ફળ રહ્યું છે.એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે નાટો કાગળના વાઘ જેવુ સંગઠન છે.ટ્રમ્પે સાથે જ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેનની ટિકા કરી હતી અને રશિયાના વડા પુતિનના વખાણ કર્યા હતા.
ટ્રમ્પે કહ્યું હતું કે રશિયાના પ્રમુખ પુતિન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને ઢોલની જેમ વગાડી રહ્યા છે.પુતિન જરૂર હોશિયાર છે પણ મૂળ સમસ્યા એ છે કે આપણા નેતા જો બાઇડેન મૂર્ખ છે.બહુ જ મૂર્ખ છે. એવા અહેવાલો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી ફરી લડવાની તૈયારી કરી રહ્યા છે અને જેના ભાગરૂપે જ આ પ્રકારના નિવેદનો આપવા લાગ્યા છે.-