દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર વડોદરામાં હુમલો

255

– વડોદરાના સમા વિસ્તારમાં દરોડો પાડવા માટે પહોચેલી ટીમના ખાનગી વાહનોમાં પણ તોડફોડ : એક પીએસઆઇ ઘાયલ

વડોદરા : વડોદરાના સમા વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્થાનિક પોલીસને ઉપરવટ જઇને દરોડો પાડવા પહોચેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર રવિવારે રાત્રે બૂટલેગર અને તેના સાથીદારોએ હુમલો કરીને જપ્ત કરેલા દારૂના જથ્થાની લૂંટ ચલાવી હોવાની ઘટના બની હતી.એક તબક્કે તો પકડેલા દિલીપ ડામોર સહિત બે વ્યક્તિઓને પોલીસ સંકજામાંથી પણ છોડાવી ગયા હતા.માણસનું મોત પણ નિપજી શકે તે પ્રકારનો પથ્થરમારો તથા લોખંડની પાઇપો વડે ટીમ પર હુમલો કરીને પોલીસના ખાનગી વાહનોમાં તોડફોટ કરીને એક પીએસઆઇને ઘાયલ પણ કર્યા હતા.હુમલાખોર બૂટલેગર ધીરજ પાંડે,દિલીપ ડામોર સહિત તેમના પરિવારજનો તથા સાથીદારોના ટોળાની સામે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇએ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા સ્થાનીક પોલીસ હવે હુમલાખોર બૂટલેગરને પકડવા દોડતી થઇ ગઇ છે.

સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.જે. રાઠવાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર,વડોદરા શહેરની ઊર્મિ સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટી પાસે ધીરજ પાંડે નામની વ્યક્તિ સાગરીતો સાથે મળી વિદેશી દારૂનો ગેરકાયદે ધંધો કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે પંચોને સાથે રાખી ખાનગી વાહનમાં પહોંચી દરોડો પાડ્યો હતો.જ્યાં ઝાડીઝાંખરામાં દારૂ સાથે દિલીપ મનાભાઇ ડામોર સહિત બે શખ્સ ઝડપાઇ ગયા હતા અને એક ફરાર થઇ ગયો હતો.જેમની પાસેથી જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાની ગણતરી કરવામાં આવી રહી હતી.

આ દારૂ ધીરજ પાંડેના કહેવાથી વેચતો હોવાનું જણાવ્યું હતું. દિલીપ ડામોર પાસેની તપાસ કરતાં તેની પાસેથી એક પાકીટ અને મોબાઇલ મળી આવ્યાં હતાં,જેમાં મોબાઇલમાં ધીરજ પાંડેનો નંબર પણ સેવ હતો.દરોડાની કામગીરી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સમા પોલીસ સ્ટેશનમાં જાણ કરી વધુ સ્ટાફને બોલાવી લેવામાં આવ્યો હતો.આ દરમિયાન અચાનક એક ટોળું લાકડીઓ અને પથ્થર લઇને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સામે ધસી આવ્યું હતું.જેથી ઝડપાઇ ગયેલા દિલીપ ડામોરે બૂમ પાડી હતી કે ધીરજભાઇ મને પોલીસે પકડી લીધો.જેથી ટોળાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો,જેથી ટોળાને સ્ટાફ દ્વારા જણાવાયું હતું કે અમે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી દારૂની રેડમાં આવ્યા છીએ અને દારૂ સાથે માણસો પકડ્યા છે.જોકે ટાળું વધુ ઉશ્કેરાયું હતું અને સાલાઓને મારો એમ બૂમો પાડી પથ્થરમારો જારી રાખ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ ટીમના સ્ટાફે જપ્ત કરેલા દારૂના જથ્થાને કોર્ડન કરીને રાખ્યો હતો, તેથી ટોળાએ લાકડીઓથી ટીમ પર પ્રહાર કરવાના શરૂ કર્યા હતા અને પથ્થરમારો કરી ટીમના પીએસઆઇ રાઠવા સહિત સ્ટાફને ઘાયલ કર્યા હતા.આ વખતે એક ટૂ-વ્હીલર પર બે વ્યક્તિ આવી હતી અને તેમણે ટોળાને વધુ ઉશ્કેર્યું હતું.આ દરમિયાન દિલીપ ડામોરને છોડાવવા તેની દીકરી અને પત્ની પણ આવ્યાં હતાં.દિલીપ ડામોરની દીકરીએ બૂમ પાડી હતી કે મમ્મી પપ્પાને પકડી લીધા છે, તેમને છોડાવો.આ સાથે દિલીપ ડામોરની દીકરી અને પત્નીએ પણ લાકડીઓથી ટોળાને સાથે રાખી હુમલો કરી દિલીપ ડામોર અને અન્ય એક ઇસમને છોડાવી ગયા હતા તેમજ દારૂના જથ્થાને પણ સાથે લઇ ગયા.જતાં જતાં ટોળાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જે કારમાં આવી હતી તેના પર પથ્થરમારો અને પાઇપથી હુમલો કરી કાચ તોડી નાખ્યા હતા.

હુમલાની ઘટના બાદ સમા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને તેણે હુમલો કરનારાં ટોળા અને લોકોની શોધખોળ શરૂ કરી હતી.જોકે તેમને દારૂનો જથ્થો કે હુમલાખોર હાથ લાગ્યા ન હતા.જેથી સમા પોલીસે આ મામલે આરોપીઓના બે મોબાઇલ અને પાકીટ જપ્ત કરી ધીરજ પાંડે,દિલીપ મનાભાઈ ડામોર,એક મોબાઇલ ધારક,વિવો કંપનીનો મોબાઇલધારક,દિલીપ ડામોરની પત્ની,દિલીપ ડામોરની દીકરી તથા GJ-6 સિરીઝની મોપેડ પર આવેલ બે શખ્સ સહિત ટોળાની સામે ફરિયાદ દાખલ કરીને શોધખોળ આરંભી દીધી છે.

Share Now