‘ભારતમાલા’ પ્રોજેક્ટમાં જમીન સંપાદનના સામે ખેડૂતોનો વિરોધ

180

ગાંધીનગર : દિલ્હી-મુંબઇ વચ્ચે સ્પેશ્યલ ગ્રીન એક્સપ્રેસ હાઇવે ‘ભારતમાલા’ પ્રોજેક્ટના નામે આગળ વધી રહ્યો છે.જે અંતર્ગત પેપરવર્ક થઇ ગયું છે ત્યારે હવે ગાંધીનગર અને અમદાવાદ સહિત બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાંથી પણ જમીન આગામી દિવસમાં સંપાદન કરવામાં આવનાર છે ત્યારે આ પ્રોજેક્ટમાં પોતાની મહામુલી અને ફળદ્રુપ જમીન નહીં આપવા માટે ખેડૂતો ભેગા થઇ રહ્યા છે.અગાઉ છાલામાં ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા હતા જેમાં બનાસકાંઠા તથા મહેસાણા જિલ્લાના પણ ખેડૂતો જોડાયા હતા અને પોતાની જમીન નહીં આપવા માટેની જાહેરાત કરી હતી ત્યારે હવે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો પણ આ મામલે નારાજ થયા છે અને રોષ પ્રગટ કરતા ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન નહીં આપવાની જાહેરાત પણ કરી છે.જિલ્લાના ગ્રીનબેલ્ટમાંથી જમીન સંપાદન કરીને ખેડૂતોની ફળદ્રુપ જમીન લેવામાં આવનાર છે તો બીજીબાજુ આ હાઇવેના કારણે નાળીયા બંધ થઇ જશે જેથી અહીંની જમીન પણ બંજર બની જવાની દહેશત્ પણ આ પ્રોજેક્ટના કારણે ખેડૂતોને વર્તાઇ રહી છે જેના કારણે ગાંધીનગર જિલ્લા ઉપરાંત પાટણ, બનાસકાંઠા, અમદાવાદ અને મહેસાણા ખેડૂતો દ્વારા પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ગઇકાલે માણસા તાલુકાના જામળા ગામના શેઠિયાવાડી ખાતે વેડા,હિમ્મતપુરા, જામળા, ધેધુ ગામ સહિત અન્ય ગામના ખેડૂતો તથા સમન્વય સમિતિના ૩૫૦ જેટલા ખેડૂતો ભેગા થયા હતા અને આ ભારતમાલા પ્રોજેક્ટમાં પોતાની આજીવિકાના સાધન સમાન ખેતીની જમીન નહીં આપવા માટે એક સુર ઉઠ્યો હતો એટલુ જ નહીં, આગામી દિવસમાં આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલનની ચિમકી પણ આ બેઠકમાં ઉચ્ચારવામાં આવી હતી.

Share Now