ગાંધીનગર : દિલ્હી સહિત સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં ફરી પાછો ઉછાળો આવ્યો છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો તેવી સ્થિતિમાં આજે ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી કોરોનાનો એક કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ થઇ ગયું છે.કોરોનાગ્રસ્ત યુવાનને હોમ આઇસોલેશનમાં રાખીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.ભારતમાં અને ખાસ કરીને દિલ્હીમાં કોરોનાના કેસ ફરી પાછા વધતા ચિંતાનો વિષય ઉભો થયો છે. જો કે, ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.અગાઉ પીડીપીયુ, જીએનએલયુ, આઇઆઇટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાંથી મળી આવેલા કેસની ચેઇન પણ તૂટી ગઇ છે અને ત્યાંથી પણ નવા કેસ ઘણા વખતથી સામે આવતા નથી ત્યારે ગાંધીનગરના રાયસણમાં રહેતા અને રાજસ્થાનની મુલાકાત લઇને પરત આવેલા યુવાન કોરોનાગ્રસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.રાયસણમાં રહેતો ૨૭ વર્ષિય યુવાન સંક્રમિત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.આ એક કેસને પણ ગંભીરતાથી લઇને તંત્ર દ્વારા પોઝિટિવ યુવાનના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કર્યું છે તો બીજીબાજુ આ પોઝિટિવ યુવાનની તબીયત સારી હોવાને કારણે તેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે તથા તેના કોન્ટેક્ટ પર્સનનું સર્વેલન્સ પણ કરવામાં આવનાર છે.ઉલ્લેખનીય છે કે, જે રીતે ભારતમાં કેસ વધી રહ્યા છે તેને લઇને એક પણ દર્દીને સરળતાથી લેવાની ભુલ હવે આરોગ્ય વભાગ કરશે નહીં.