અમદાવાદ,તા.27 એપ્રિલ 2022, બુધવાર : પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે અમદાવાદ વિભાગની મુલાકાત લઇને ચાલી રહેલા વિકાસ કામોની જાત સમીક્ષા કરી હતી.ટ્રેક ડબલિંગ, વિધૃતિકરણ, ગેજ પરિવર્તન સહિતના કામો અંગે અધિકારીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.આ કામોને તેની સમય મર્યાદામાં પુરા કરવા તેમજ કામમાં હજુ વધારે ઝડપ લાવવા સુચના આપી હતી.પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ તાજેતરમાં અમદાવાદ વિભાગની મુલાકાત લીધી હતી.જેમાં તેઓએ ડીઆરએમ તરૂણ જૈન સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી રેલવેના ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટો અંગે જાણકારી મેળવી હતી.તેઓએ ગુજરાતના પોર્ટ સુધી રેલવેની કનેક્ટીવીટી વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.ટ્રાન્સપોર્ટની સુવિધાને મહત્વ આપવા માટે જણાવ્યું હતું.રેલવેના ઇલેક્ટ્રીફિકેશનના કામમાં અમદાવાદ વિભાગની સારી કામગીરીની પણ નોંધ લઇને તેઓએ તેને બિરદાવી હતી. આ વિભાગના અધિકારી સાથે તેઓએ વિસ્તાર પૂર્વક ચર્ચા કરી હતી.રેલવેમાં ડિઝલનો વપરાશ ઘટાડવા, પ્રદુષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રીફિકેશનની કામગીરી મદદરૂપ થશે.હાલમાં ચાલી રહેલા કામો, પુરા થયેલા કામો અને નવા કરવાના થતા કામો અંગે પણ વિગતવાર ચર્ચા કરીને તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.અમદાવાદ-હિંમતનગ-ડુંગરપુર ગેજ પરિવર્તનના કામ તેમજ આ રૂટ પર ચાલુ થયેલા ટ્રેનોના સંચાલન અંગેની ે સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.અમદાવાદ-ભાવનગર રૂટના કામને લઇને પણ ચર્ચા થવા પામી હતી.આ રૂટને સત્વરે ચાલુ કરવા પણ જણાવાયું હતું.અમદાવાદ-પાલનપુરના ટ્રેક ડબલિંગના કામની પણ સમીક્ષા કરાઇ હતી.અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કામો અંગે પણ જાણકારી મેળવી હતી.


