અમદાવાદ,તા.27 એપ્રિલ 2022, બુધવાર : અજિત મીલ ચાર રસ્તાથી રખિયાલ તરફ જતો રોડ ગટર-ડ્રેનેજ લાઇનની મરામત સહિતના વિવિધ કામોસર છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરી દેવાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.તમામ વાહન વ્યવહાર બીઆરટીએસ રૂટ પરથી થઇ રહ્યો હોવાથી ચક્કાજામની સ્થિતિ બળવત્તર બની ગઇ છે.બુધવારે બપોરે મોટી ટ્રક બીઆરટીએસ બસ સ્ટેન્ડના કારણે આગળ વધી ન શકતા પાછળ વાહનોની લાંબી લાઇન લાગી જતા ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી.ટ્રાફિક નિયમનનો ભારે અભાવ જોવા મળ્યો હતો.
સારંગપુરથી ઓઢવનો રોડ મુખ્ય રોડ છે.આ રોડ પર વારંવારના ખોદકામ, રોડ આડેધડ બંધ કરી દેવાથી વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.એક તો પહેલાથી જ મોંઘાદાટ અને ફક્ત એક બસની અવર-જવર માટે રોડની મધ્યમાં બનાવાયેલા બીઆરટીએસ રૂટના કારણે વાહનચાલકો પરેશાન છે.તેવામાં ગટર-પાણી, રોડ, ભૂવા સહિતના કારણોસર થતા ખોદકામો શહેરીજનો માટે મોટી અને વધારાની મુસીબત ઉભી કરી રહ્યા છે.વાહનચાલકોનો મત છેકે જ્યાં સુધી ખોદકામ ચાલે ત્યાં સુધી બીઆરટીએસ રૂટ સામાન્ય વાહનચાલકો માટે ફરજિયાત પણે ખોલી દેવાવો જોઇએ.જડ અને અપ્રાસંગીક નિયમો લોકો પર થોપી દેવાને બદલે વ્યવહારૂ નીતિ અપનાવીને ઉકેલ લાવવો જોઇએ.સામાન્ય રોડ ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિંગથી સાંકળા બની ગયા છે.આ સાંકળા રોડ પરથી શહેરીજનોએ મહાપરાણે પસાર થવું પડી રહ્યું છે.જ્યારે બીઆરટીએસ રૂટ આખો ખાલીખમ હોય છે.દર પંદરેક મિનિટે બસ આવે છે તે સિવાય આ રોડ બિનવપરાશની સ્થિતિમાં પડયો હોય છે.જ્યારે બંને સાઇડના સામાન્ય રોડ ચક્કાજામની સમસ્યાથી ઘેરાયેલા હોય છે.ઓઢવ ફાયર સ્ટેશન સામે ખોદકામથી ટ્રાફિકજામ વધ્યો છે.છતાંય બીઆરટીએસનો રૂટ સામાન્ય વાહનચાલકો માટે બંધ જ રખાયો છે.ખોદકામ, ટ્રાફિકજામની સ્થિતિમાં સામાન્ય વાહનચાલકો માટે બીઆરટીએસ રૂટ ખોલી દેવો જોઇએ તેવી માંગણી ઉઠી છે.


