કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩.૬૬ લાખ, મરણાંક ૧૬,૦૯૮

315

નવી દિલ્હી :

કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ૩.૬૬ લાખના આંકડાને પાર કરી ગઈ છે અને વિશ્વમાં કુલ ચેપી દર્દીઓની સંખ્યા ૩,૬૬,૮૬૬ થઈ છે. આ ચેપથી મરણાંક ૧૬,૦૯૮ થયો છે. જોકે રાહતની વાત એ છે કે ૧,૦૧,૦૬૫ દર્દીઓ સાજા થયા છે. યૂરોપમાં બીજા નંબરે પ્રભાવિત દેશ સ્પેનમાં સોમવારે વધુ ૪૩૪ દર્દીઓનાં મૃત્યુ થતાં એક અઠવાડિયાની ઇમર્જન્સી ૧૧ એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી છે. સ્પેનમાં હવે મરણાંક ૨,૨૦૬ થયો છે. ઇરાનમાં પણ સોમવારે વધુ ૧૨૭ દર્દીઓનાં મૃત્યુ થતાં મરણાંક વધીને ૧,૮૧૭ થયો છે. અમેરિકામાં રવિવારે એક દિવસમાં વધુ ૩૯નાં મોત સાથે મરણાંક ૪૫૮ થયો છે. બીજી તરફ જ્યાંથી કોરોના વાઇરસ ફેલાયો છે એ ચીનમાં વધુ ૯ દર્દીનાં મૃત્યુ સાથે મરણાંક ૩,૨૭૦ થયો છે. કોરોના વાઇરસનો ચેપ આશરે ૧૯૨ દેશોમાં પ્રસરી ગયો છે.

અમેરિકામાં ૪૮૩નાં મોત

અમેરિકામાં શનિવારે ૧૧૭ દર્દીઓનાં મૃત્યુ બાદ હાહાકાર મચ્યો હતો અને રવિવારે વધુ ૬૪ દર્દીઓનાં મૃત્યુ સાથે મરણાંક વધીને ૪૮૩ થયો છે. રવિવારે વધુ ૭,૨૯૫ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગતાં કુલ દર્દીઓની સંખ્યા ૪૦,૮૪૧ સુધી પહોંચી છે. સૌથી વધારે દર્દીઓની સંખ્યામાં ચીન અને ઇટાલી બાદ અમેરિકા ત્રીજા નંબરે પહોંચ્યું છે. શનિવારે અમેરિકામાં નવા ૧૪,૫૫૦ દર્દીની જાણ થઈ હતી. એમાંથી એક તૃતીયાંશ ન્યૂયોર્ક શહેરના હતા. અમેરિકામાં ૧,૮૦૦ લોકોની સામે પાંચ ડોક્ટર ઉપલબ્ધ છે. રવિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હું ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગના કારણે ચિંતિત છું કારણ કે ચીન સમય પહેલાં અમેરિકાને કોરોના વાઇરસના મુદ્દે જાણકારી આપી શકતો હતો. જો ચીને જાણ કરી હોત તો અમે અમેરિકાથી નિષ્ણાતોને મોકલ્યા હોત. ચીને કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.

ચીનમાં ફરીથી મહામારીનો ખતરો

ચીનમાં કોરોનાના નવા સંક્રમણના કેસ ઘટી ગયા છે પણ ચીનના કોરોના વાઇરસ એક્સપર્ટ ડોક્ટર લી લાનજુઆએ કહ્યું છે કે વિદેશથી આવનારા સંક્રમિત લોકોના કારણે ચીનમાં આ મહામારી ફરીથી ફેલાઈ શકે એમ છે. રવિવારે ચીનના ગુઆનઝોઉમાં એક સ્થાનિક વ્યક્તિ અને વિદેશથી આવેલા એક વ્યક્તિમાં કોરોના સંક્રમણની જાણ થઈ હતી. તુર્કીથી આવેલી મહિલાના સંપર્કમાં આવેલા આ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

ઇટાલીમાં ૬૦૭૮ના મોત

ઇટાલીમાં રવિવારે ૬૫૧ દર્દીઓનાં અને સોમવારે ૬૦૨ના મૃત્યુ થયાં હતાં અને કુલ મરણાંક ૬૦૭૮ થયો હતો. ચીનથી ફેલાયેલા કોરોના વાઇરસની સૌથી માઠી અસર ઇટાલીને થઈ છે અને હાલમાં ૬૩,૯૨૮ દર્દીઓ પર સારવાર ચાલી રહી છે. ૨૧ ફેબ્રુઆરીએ ઇટાલીમાં પહેલો કેસ સામે આવ્યો હતો અને એક મહિનામાં જ આ મહામારી એવી ફેલાઈ છે કે આખો દેશ લોકડાઉનમાં છે અને જ્યાં જુઓ ત્યાં મૃતદેહોના ઢગલા થયા છે. અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા ઓછી પડે છે અને તેથી આર્મીની મદદ લેવાઈ રહી છે.

ચીનમાં ૮૯ ટકા દર્દી સાજા થયા

ચીનમાં સોમવારે વધુ ૯ દર્દીઓનાં મૃત્યુ સાથે મરણાંક ૩,૨૭૦ થયો છે. જોકે કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ૩૯ના વધારા સાથે ૮૧,૦૯૩ થઈ છે. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં હોસ્પિટલોમાં દાખલ કરાયેલા ૭૨,૭૦૩ દર્દીઓ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. હાલમાં ૫,૧૨૯ દર્દીઓ પર સારવાર ચાલી રહ્યો છે.

જર્મનીમાં ૧૧૫નાં મોત, દર્દીઓની સંખ્યા ૨૭,૨૮૯

જર્મનીમાં સોમવારે વધુ ૨૧ દર્દીઓનાં મૃત્યુ સાથે મરણાંક ૧૧૫ થયો છે અને વધુ ૨,૪૧૬ દર્દીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. કુલ દર્દીઓની સંખ્યા હવે ૨૭,૨૮૯ સુધી પહોંચી છે. જર્મનીમાં કોરોના વાઇરસનો ચેપ અટકાવવા માટે એક સાથે બે લોકોને બેસવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બ્યૂટીપાર્લર, મસાજપાર્લરને પણ બંધ કરી દેવાયાં છે.

યુકેમાં ઘરની બહાર નીકળવા આઈ કાર્ડ બતાવવું પડશે

યુનાઇટેડ કિંગડમમાં સોમવારે ૨૪ કલાકમાં ૫૪ દર્દીઓના મૃત્યુ થયા બાદ મરણાંક ૩૩૫ થયો છે અને તેથી સોમવારથી લોકોને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જે લોકો ઘરની બહાર નીકળવા માગતા હશે એમણે તેમનું આઇ કાર્ડ દર્શાવવું પડશે અને પોલીસની પરમિશન બાદ જ એ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકશે. વડા પ્રધાન બોરિસ જોન્સન પર યૂરોપિયન સ્ટાઇલના લોકડાઉન જાહેર કરવા માટે દબાણ વધ્યું છે.

સ્પેનમાં ૨,૨૦૬ લોકોનાં મોત, એક દિવસમાં ૪,૩૨૧ નવા કેસ

યુરોપમાં કોરોના વાઇરસથી બીજા નંબરના પ્રભાવિત દેશ સ્પેનમાં સોમવારે એક દિવસમાં નવા ૪૩૪ લોકોનાં મોત સાથે મરણાંક ૨,૨૦૬ થયો છે. એક જ દિવસમાં વધુ ૪,૩૨૧ નવા કેસ નોંધાયા છે અને કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૩૩,૬૮૯ સુધી પહોંચી ગઈ છે. સ્પેન સરકારે હવે ઇમર્જન્સી ૧૧ એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. સ્પેનના PM પેટ્રો સાન્ચેજે રવિવારે જાહેરાત કરી હતી કે ઇમર્જન્સીમાં ૧૫ દિવસનો વધારો કરાશે

સ્પેનની રાજધાની મેડ્રિડની હોસ્પિટલોમાં દર્દીઓને જમીન પર રખાયા

સ્પેનમાં કોરોના વાઇરસના કેરના કારણે હોસ્પિટલો ઉભરાઈ છે અને રાજધાની મેડ્રિડમાં દર્દીઓને રાખવા માટે પૂરતા બેડ નહીં હોવાથી તેમને જમીન પર સૂવડાવવા પડે છે. જમીન પર દર્દીઓ જોરજોરથી ખાંસતા હોય અને ડોક્ટરો તેનો ઉપચાર કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જમીન પર સૂઈ રહેલા દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડમાં કેસ બમણા થતાં લોકડાઉન

ન્યૂઝીલેન્ડમાં શનિવારે કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૫૦ હતી પણ ૪૮ કલાકમાં આ સંખ્યા વધીને ૧૦૨ થતાં ન્યૂઝીલેન્ડ સરકારે બુધવારથી દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી પણ સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. સ્કૂલ, કોલેજો, બિઝનેસ હાઉસો અને ઇમર્જન્સી સેવામાં રહેલા લોકોને તૈયારી કરવા માટે બે દિવસનો સમય અપાયો છે.

પાક.માં કોરોના પોઝિટિવ સાથી કર્મી. સાથે સેલ્ફી, ૬ સરકારી અધિકારી સસ્પેન્ડ

પાકિસ્તાનમાં ઇરાનથી આવેલા કોરોના પોઝિટિવ સહકર્મચારી સાથે સેલ્ફી લેવાના આરોપસર ૬ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ખૈરપુર જિલ્લાના ડેપ્યુટી કમિશનર તેમના સહ કર્મચારી સાથે સેલ્ફી લીધી હતી. આ કોરોના પોઝિટિવ અધિકારી ઇરાનમાં તીર્થયાત્રા કરીને પાછો આવ્યો હતો.

પાક.ને લોકડાઉન કરી શકાય નહીં : ઇમરાન

પાક.માં કોરોનાના દર્દીઓની સંખ્યા ૮૦૪ થઈ છે, ૬નાં મૃત્યુ થયા છે. આમ છતાં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે અમે દેશને લોકડાઉન કરી શકીએ એમ નથી કારણ કે દેશમાં ૨૫ ટકા વસતી એવી છે જે રોજ કમાય છે, ગુજરાન ચલાવે છે. આ ૨૫ ટકા વસતી ગરીબી રેખા હેઠળ જીવી રહી છે. જો લોકડાઉનની જાહેરાત કરીએ તો લોકોમાં ગભરાટ ફેલાશે. ખાવાપીવાની ચીજોની અછત ઊભી થશે.

વિદેશ પ્રવાસની જાણ નહીં કરનારા ડોક્ટરને રશિયામાં જેલમાં ધકેલાયો

રશિયામાં એક ડોક્ટર સ્પેનમાં રજા ગાળ્યા બાદ પાછો ફર્યો ત્યારે તેણે સ્પેનના પ્રવાસની જાણકારી સત્તાવાળાઓને આપી નહોતી અને એના કારણે આ ડોક્ટરને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ કહ્યું હતું કે સ્પેનમાં ફરીને આવ્યા બાદ આ ડોક્ટરે જાણ આપી નહોતી અને તેણે ૧,૨૦૦ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. રશિયામાં કોરોના વાઇરસનો ચેપ લાગેલા દર્દીઓની સંખ્યા ૪૩૮ સુધી પહોંચી છે.

Share Now