એપ્રિલમાં ઉદ્યોગોને બેન્ક ધિરાણ આઠ વર્ષમાં સૌથી ઝડપી વધ્યું

146

મુંબઈ : કોરોનાનો કહેર ઓસરવાની સાથે સાથે લોન-ધિરાણની માંગ વધી રહી છે.જેમાં પર્સનલ લોનની સાથે સાથે હવે ઉદ્યોગો-કંપનીઓ તરફથી લોનની માંગ વધતા એપ્રિલમાં ઔદ્યોગિક ક્ષેત્રે બેન્ક ધિરાણમાં આઠ વર્ષની સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.રિઝર્વ બેન્કના આંકડા મુજબ મોટા કદના,મધ્યમ- નાના અને સૂક્ષ્મ ઉદ્યોગ સહિત-ઔદ્યોગિક ક્ષેત્રને આપેલી લોનનું મૂલ્ય ૨૨ એપ્રિલ,૨૦૨૨ના રોજ વાર્ષિક ધોરણે ૮.૧% વધીને રૂ. ૩૧.૫૨ લાખ કરોડ થયું છે.તો માર્ચની તુલનાએ ધિરાણ ૭.૧ ટકા વધ્યુ છે.કોરોના મહામારીની બીજી લહેરના કારણે એપ્રિલ ૨૦૨૧માં ઔદ્યોગિક ક્ષેત્રે બેન્ક ધિરાણમાં ૦.૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.જેમાં મધ્યમ કદમના ઉદ્યોગોને ધિરાણ ૫૩.૫ ટકાની સૌથી ઝડપી ગતિએ વધ્યું,જ્યારે સૂક્ષ્મ અને નાના સાહસોને લોન ફાળવણી ૨૯ ટકા વધી છે.તો મોટાકદના ઉદ્યોગોને આપેલી લોનમાં ૧.૬ ટકાની ધીમી વૃદ્ધિ જોવા મળી છે.

છેલ્લા બે વર્ષોમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગને નાણાંકીય ટેકો આપવા માટે સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ(ઇજીએલજીએસ)શરૂ કરી હતી જે હેઠળ બેન્કોએ મધ્યમ અને નાના કદના ઉદ્યોગોને જંગી ધિરાણ આપ્યુ છે.કોરોના મહામારીના કટોકટી કાળમાં પણ રિટેલ લોન સેગમેન્ટ આકર્ષક દેખાવ ચાલુ રાખ્યો છે અને એપ્રિલમાં વાર્ષિક તુલનાએ ૧૪.૭ ટકાની વૃદ્ધિ કરી છે,જે હાઉસિંગ અને ઓટો લોનની વધતી માંગને આભારી છે.એપ્રિલ ૨૦૨૧માં રિટેલ લોન પોર્ટફોલિયો ૧૨.૧ ટકા અને માર્ચ ૨૦૨૨માં ૧૨.૪ ટકા વધ્યો હતો.સર્વિસ સેક્ટરમાંથી પણ ધિરાણની માંગ વધી રહી છે.ખાસ કરીને ફાઇનાન્સ કંપનીઓ,ટ્રેડ,ટુરિઝમ,હોટેલ-રેસ્ટોરન્ટ્સ અને ટ્રાન્સપોર્ટ સંચાલકો તરફથી લોનની માંગ વધતા સર્વિસ સેક્ટરમાં બેન્કોનું ધિરાણ એપ્રિલમાં ૧૧.૧ ટકા વધ્યુ છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં તેમાં ૨.૪ ટકા અને માર્ચ ૨૦૨૨માં ૮.૯ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં પણ બેન્કોનું ધિરાણ એપ્રિલ ૨૦૨૨માં ૧૦.૬ ટકા વધ્યુ છે,જ્યારે આ ક્ષેત્રમાં ધિરાણ વર્ષ પૂર્વેના સમાન મહિનામાં ૧૦.૭ ટકા અને માર્ચ ૨૦૨૨માં ૯.૯ ટકા વધ્યુ હતુ.

Share Now