નવી દિલ્હી, તા. 13 જૂન 2022, સોમવાર : સીબીઆઈએ આસામમાં એક રાષ્ટ્રીય રાજમાર્ગ માર્ગ પરિયોજનામાં કથિત ગેરરીતિઓ મામલે શિલોંગ,ગુવાહાટી,ગુરૂગ્રામ તથા બેંગાલુરૂના અનેક સ્થળો ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.આ ઉપરાંત સીબીઆઈએ NHAIના કેટલાક અધિકારીઓ તથા જીઆર ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ ના અધિકારીઓની ધરપકડ કરી છે.
જનરલ મેનેજર્સ અને પ્રોજેક્ટ ડિરેક્ટર્સ સામે કેસ દાખલ
સીબીઆઈએ આ વર્ષે એપ્રિલ મહિના દરમિયાન NHAIના જનરલ મેનેજર્સ,પ્રોજેક્ટના ડિરેક્ટર્સ,મેનેજર્સ સહિત 22 લોકો સામે કેસ દાખલ કર્યો હતો. તેમાં ખાનગી કંપનીઓ અને લોકોનો પણ સમાવેશ થતો હતો.એફઆઈઆરમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, વર્ષ 2008-10 દરમિયાન એનએચ-06ના સુરત-હજીરા પોર્ટ સેક્શન,એનએચ-08ના કિશનગઢ-અજમેર-બ્યાવર સેક્શન તથા એનએચ-02ના વારાણસી ઔરંગાબાદ સેક્શનને NHAI દ્વારા ખાનગી કંપનીઓના એક કન્સોર્ટિયમને સોંપવામાં આવ્યા હતા.
સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના
આ ત્રણે પરિયોજનાઓના અમલીકરણ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવી હતી.સાથે જ એવો આરોપ પણ લગાવાયો હતો કે, આ પરિયોજનાઓના અમલ દરમિયાન ઉક્ત NHAI અધિકારીઓએ ખાનગી કંપનીઓ પાસેથી ધનનો સ્વીકાર કર્યો હતો.
કેસની તપાસ ચાલુ
સીબીઆઈ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ઉક્ત ખાનગી કંપનીના ડેપ્યુટી કોન્ટ્રાક્ટર્સ દ્વારા તેમના વહીખાતામાં હેરાફેરી કરીને રોકડ ધનની સુવિધા પ્રદાન કરવામાં આવી હતી.આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.

