બેઇજિંગ, તા.27 માર્ચ 2020, શુક્રવાર
ચીનમાં બનેલી કેટલીક પ્રોડક્ટસની ગુણવત્તા કેટલી હલકી હોય છે તેનો ભારતીયોને સારી રીતે અનુભવ છે. સોશ્યલ મીડિયા પર પણ અવાર-નવાર તેને લઈને મજાકો થતી હોય છે.હવે સ્પેનને પણ ચીનની પ્રોડક્ટસની હલકી ગુણવત્તાનો અનુભવ થયો છે.જોકે આ એક ગંભીર બાબત છે. કોરોનાના કહેરનો સામનો કરી રહેલા સ્પેને કોરોનાનો ટેસ્ટ કરવા માટે ઉતાવળમાં ચીન પાસેથી લાખો ટેસ્ટ કિટ તો ખીદી છે પણ આ કિટ કોરોના પોઝિટિવ દર્દીઓનુ નિદાન કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. જેના કારણે કોરોના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહેલા ચીનને મોટો ફટકો વાગ્યો છે.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનની ટેસ્ટ કિટથી 15 મિનિટમાં રિઝલ્ટ મળશે તેવો દાવો કરાતો હતો.જોકે સ્પેનના નિષ્ણાતોએ આ કિટનો યુઝ કરવા સામે ચેતવણી આપી છે. સ્પેને ચીન અને દક્ષિણ કોરિયા પાસેથી કુલ મળીને 6.40 લાખ કિટ ખરીદી છે.
આ રેપિડ કિટથી ઓછામાં ઓછા 80 દર્દીઓનો સાચો ટેસ્ટ આવવો જોઈએ.તેની જગ્યાએ આ કિટ માત્ર 30 દર્દીઓનુ સાચુ ટેસ્ટિંગ કરી રહી છે. હવે સ્પેને ચીનની કિટનો ઉપયોગ નહી કરવાનુ નક્કી કર્યુ છે.સ્પેને ચીનને એવુ પણ કહ્યુ છે કે, કિટ પાછી લઈ લેવામાં આવે. બીજી તરફ ચેક રિપબ્લિક દેશના નિષ્ણાતોએ પણ કહ્યુ છે કે ચીનની કિટ યોગ્ય રીતે કામ કરી રહી નથી.
બીજી તરફ ચીને જે કંપનીએ કિટ બનાવી છે તેની પાસે સત્તાવાર લાઈસન્સ છે જ નહી તેમ કહીને હાથ ખંખેરી નાંખ્યા છે.
કોરોના વાયરસના કારણે સ્પેનમાં અત્યાર સુધીમાં 4365 લોકોના ભોગ લીધા છે અને 57000 લોકો પોઝિટિવ છે. સ્પેનમાં બહુ ઝડપથી કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે.