નવી દિલ્હી, તા. 01 ઓગસ્ટ 2022, સોમવાર : સેનાના એક જવાનનું પેન્શન રોકવાના મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કારગિલ યુદ્ધમાં લડેલા ભારતીય સેનાના એક જવાન પર કેન્દ્ર સરકારે દયા દાખવવી જોઈએ.કોર્ટે વધુમાં સરકારને આ જવાન માટે મોટું દિલ રાખવાનું કહ્યું છે.હકીકતમાં ભારતીય સેનાનો એક જવાન દારૂ પીવાની આદતથી મજબૂર હતો.આ કારણોસર જવાનને અનુશાસનહીનતા માટે સેનામાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને બાદમાં સેનાના ટ્રિબ્યુનલે જ તેમને પેન્શન આપવાનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે, અનુશાસનહીનતાના દોષિત સૈનિકોને પેન્શન મળતું નથી પરંતુ ટ્રિબ્યુનલે તેમને વિકલાંગ માનીને પેન્શન આપવાનો આદેશ આપ્યો હતો.આ કેસમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે પેન્શન આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ યોગ્ય નથી.સરકારની દલીલ એવી હતી કે અનુશાસનહીનતાને અપંગતા તરીકે ગણી શકાય નહીં.દારૂ પીવો એ અનુશાસનહીન ગણાય છે.
આ મામલાની સુનાવણી દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ કેસને અલગથી જોવાનો આગ્રહ કર્યો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, આ જવાન કારગિલ યુદ્ધમાં સામેલ હતો જ્યારે આપણે શહીદ થયેલા જવાનોના શબપેટીઓ જોઈએ છીએ ત્યારે આપણને એક અલગ જ અનુભૂતિ થાય છે.તેથી સરકારે મોટું દિલ રાખીને આ બાબતને અલગથી જોવી જોઈએ.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે, પેન્શન બંધ થવાની અસર માત્ર આ જવાનને જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવાર પર પડશે.આપણે પરિવાર અંગે પણ વિચારવું જોઈએ.જો શક્ય હોય તો સરકારે આ જવાનના કેસને અપવાદ તરીકે ગણવો જોઈએ.સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે, આ જવાન માટે સરકારે જે નિર્ણય લીધો છે તે ભવિષ્ય માટે ઉદાહરણરૂપ નહીં હોય.આ જવાનને જ લાગુ પડશે.કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી અને ત્યાર બાદ આ મામલે સુનાવણી કરવામાં આવશે.