સુરત,તા : 14 ઓગષ્ટ 2022 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણીમાં આજે તમામ રાજકીય પક્ષોએ ખૂબ જ સક્રિય રીતે ભાગ લીધો હતો.ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) અને આપની વિદ્યાર્થી પાંખ CYSS(છાત્ર યુવા સંઘર્ષ સમિતિ) વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ધારૂકાવાળા કોલેજ ખાતે બોગસ મતદાન થયું હોવાની શંકા જતા આમ આદમી પાર્ટીના સમર્થક મતદારો ત્યાં પહોંચી ગયા હતા. તેમજ અન્ય સમર્થક પણ તાલુકા કોલેજમાં જતા મારામારી થઈ હતી.
ધારુકા કોલેજમાં વોટિંગ પ્રક્રિયા દરમિયાન એબીવીપીના ઉમેદવાર વોટીંગ બુથમાં હોવાની ફરિયાદ ઉઠી હતી.જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના સમર્થક ઉમેદવારની ટીમ ધારૂકારાવાલા કોલેજમાં પ્રવેશી હતી.કેમ્પસમાં જ છુટ્ટાહાથની મારામારી શરૂ થતા પોલીસે દોડી આવી મામલે થાળો પાડ્યો હતો.
પાટીદાર ગઢ ધારૂકાવાલા કોલેજની અંદર કેમ્પસમાં જ મારામારી થઈ જતા થોડા ક્ષણો માટે વાતાવરણ ખૂબ જ ઉગ્ર થઈ ગયું હતું.વિશાલ વસોયાના સમર્થનમાં સિવાયએસએસના સમર્થકો કેમ્પસમાં ધસી જતા મામલો બિચકી ગયો હતો.પાસની ટીમ પણ સક્રિય રીતે કેમ્પસમાં દેખાઈ હતી.વિશાલ વસોયા પાટીદાર અનામત આંદોલન સમિતિના સક્રિય હતો.જેના કારણે પાસની ટીમ પણ તેના સમર્થનમાં દેખાઈ હતી.