વલસાડમાં ગણેશજીની પ્રતિમાને ધામધૂમથી લાવી રહેલા યુવકો DJની તાલ પર થિરકતા હતા ત્યારે પોલીસ ઇન્સ્પેકટર દીપક ઢોલે યુવાનોને DJ બંધ કરવા કહ્યુ હતું,વાતવાતમાં એક પોલીસ જવાનને ધક્કો વાગી ગયો એમાં પોલીસ અને ગણેશ મંડળના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પેદા થયું હતું.વાતનું વતેસર થઇ જવાની માહિતી મળતા ભાજપના ધારાસભ્ય ભરત પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને PI દીપક ઢોલને જાહેરમાં ધમકાવી નાંખ્યા હતા,એટલું જ નહી ધારાસભ્યએ તોરમાં કહ્યુ હતું કે હું ધારું તો અત્યારે હુલ્લડ થઇ જાય.
ધારાસભ્યએ કહ્યુ કે, તાજિયામાં વાગ્યું તો અમે કઇ કીધું નથી તો ગણપતિમાં DJ અટકાવશો તો નહીં ચાલે.વાત એમ બની હતી કે રવિવારે રાત્રે વલસાડના તિથલ રોડ પર આવેલા લોહાણા સમાજના હોલ ખાતે આહીર ગૃપના ગણેશ મંડળના કાર્યકરો ગણપતિની પ્રતિમાને લઇને આવી રહ્યા હતા.બાપ્પાને ધામધૂમથી લાવતી વખતે રસ્તામાં મંડળના યુવાનો DJ ઉપર ડાન્સ કરી રહ્યાં હતા.આ દરમિયાન PI દીપક ઢોલ પોતાના સ્ટાફ સાથે DJ બંધ કરાવવા ગયા હતા.જેમાં એક પોલીસ જવાનને ધક્કો લાગતાં પોલીસ અને ગણેશ મંડળના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.થોડી જ વારમાં ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે બબાલ લાંબી થઇ જતા વલસાડના ધારાસભ્ય ભરત પટેલ ઘટના સ્થળે આવી ગયા હતા.તેમણે આવતાની સાથે જ PI દીપક ઢોલને ધમકાવી નાંખ્યા હતા અને કહ્યુ હતુ કે, ગણપતિમાં DJ બંધ કરાવો તો નહીં ચાલે, અમે તાજિયા વખતે DJ વાગ્યું હતુ એ વખતે કશું બોલ્યા નહોતા.ધારાસભ્ય ભરત પટેલે કહ્યું હતુ કે, હુ ધારુ તો અત્યારે જ હુલ્લડ થઇ જાય.
અહેવાલ મુજબ ધારાસભ્ય ભરત પટેલે કહ્યું હતું કે, હું કઇ આવું બોલ્યો નહોતો, પરંતુ મે તો એમ કીધું હતું કે હું અહીં ન આવ્યો હોત, તો હુલ્લડ થઇ જતે.મેં મારા 10 વર્ષના ધારાસભ્ય તરીકેના કાર્યકાળમાં ક્યારેય પોલીસ સાથે મગજમારી કરી નથી.મને ઘટનાની જાણ થઇ એટલે પહોંચ્યો હતો અને બધાને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.જો કે ધારાસભ્ય ભરત પટેલનો PI સાથે ઉગ્ર અવાજે વાત કરતો વીડિયો વાયરલ થયો છે.