– વ્યાજ નહીં ચુકવતાં મકાન જ પચાવી લીધું
– કોન્ટ્રાક્ટરે 10 ટકા વ્યાજે મનહર પરમાર પાસેથી 10 લાખ લીધાં હતાં
– કુલ ₹12.40 લાખ ચુકવવા છતાં હજી વ્યાજ બાકી કહીં ધમકીઓની રાવ
ભરૂચ, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : ભરૂચના લિંકરોડ પર રહેતાં AAPના નેતા અને પુર્વ નગરસેવક મનહર પરમાર અને તેમના પુત્ર વિરૂદ્ધ વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતાં શહેરમાં સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.એક કોન્ટ્રાક્ટરને 10 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે આપ્યાં બાદ તેમને પહેલાં 1.40 લાખ ચુકવ્યાં હતાં.જે બાદ તે રૂપિયા નહીં ચુકવી શકતાં કોન્ટ્રાક્ટરને તેના જ ઘરમાંથી કાઢી મુકી મકાન પર કબજો જમાવ્યો હતો.અરસામાં તેણે બીજા 11 લાખ રૂપિયા ચુકવી દીધાં હોવા છતાં હજી વ્યાજ બાકી હોવાનું જણાવી તેમનું મકાન પચાવી પાડતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
ભરૂચના કુકરવાડા ખાતે રહેતાં જિતેન્દ્ર પ્રભુ પ્રજાપતિ તેમજ તેમની પત્નીએ રૂપિયા ભેગા કરી વર્ષ 2012માં શ્રી રેસિડન્સીમાં મકાન ખરીધ્યુ હતું.અરસામાં વર્ષ 2014માં તેમના જિતેન્દ્રને ધંધાર્થે રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં શહેરના લિંકરોડ પર આવેલાં એચઆઇજી અંબામાતા મંદિર પાસે રહેતાં અને રાજકિય આગેવાન મનહર મગનભાઈ પરમાર પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધાં હતાં.જે બાદ તેમણે તબક્કાવાર 1.40 લાખ ચુકવી દીધાં બાદ તેમની સ્થિતી ન હોઇ રૂપિયા નહીં ચુકવી શકતાં મનહર પરમારે ધમકાવી તેમને મકાન ખાલી કરાવી કબજો લઇ લીધો હતો.તેઓ ભાડેથી મકાન રાખી રહેતાં હતાં.દરમિયાનમાં 2016માં તેમની પાસે રૂપિયાની સગવડ થતાં તેમણે મનહર પરમારના કહેવાથી તેમના પુત્ર કેતનના ખાતામાં ₹8.50 લાખ તેમજ 2.50 લાખના 2 ચેક નાંખી ક્લિયર કરાવ્યાં હતાં.જે બાદ તેમણે પોતાના મકાનની માગણી કરતાં હજી તેમનું વ્યાજ બાકી છે તેમ કહીં તેમનું મકાન પચાવી પાડી પરત કરવામાં ગલ્લાતલ્લા કરતાં હતાં.આખરે તેમણે કંટાળીને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ગુજરાત નાણાના ધીરધાર કરનારા બાબદત અધિનિયમ 40, 42(a), 42(d) તેમજ આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.એ ડિવિઝન પોલીસે પૂર્વ કોર્પોરેટર મનહર પરમારની અટકાયત કરી છે.બુધવારે જ કોર્ટે તેમની પત્નીને સસ્તા અનાજની દુકાનમાં ઉચાપત અને ગેરરીટીના કેસમાં 5 વર્ષની સજા ફરમાવી હતી.હવે તેઓ અને તેમના પુત્ર કેતન સામે વ્યાજખોરીની ફરિયાદ થઈ છે.