વૈશ્વિક અર્થવ્યવસ્થા પર છવાયેલા કોરોના વાઇરસના ઓછાયા વચ્ચે શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યાં છે,જે ભારતીય વેપાર-ઉદ્યોગ જગતને આ મહામારીના કારણે સર્જાયેલી સ્થિતિમાં રક્ષણ આપવા ઉપરાંત વૃદ્ધિ માટે પણ સહાયક બનશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં નાણાંકીય વર્ષ ૨૦૨૧માં નેગેટિવ વૃદ્ધિની સંભાવનાઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી વધારે ૧.૯ ટકાનો વૃદ્ધિદર નોંધાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.રિવર્સ રેપો રેટમાં ઘટાડો થવાથી બેન્કો વધારે ધિરાણ કરવા તરફ વળે તેવી ધારણા છે.લિક્વિડિટીમાં સુધારાથી બેન્કોને, એમએસએમઇ ઉદ્યોગોને, રિટેલ બિઝનેસને તથા નિકાસકારોને લાભ થશે.
ભારતમાં આગામી ચોમાસું સારું રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ સમગ્ર અર્થતંત્રને ટેકો આપશે.આરબીઆઇના મતે ખરીફ પાકમાં ગયા વર્ષની સરખામણીએ ૩૩ ટકા વધારો થયો છે અને તે મોટી સિદ્ધિ છે.કૃષિ ઉત્પાદનમાં વધારો થવાથી ગ્રામીણ અર્થતંત્ર વેગવાન રહેશે. ભારત આ વર્ષે વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે ઉપરાંત ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે જણાવ્યું છે કે આગામી નાણાંકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિદર ૭.૪ ટકા રહેશે. આરબીઆઇએ અગાઉ જ સિસ્ટમમાં ~૩.૭૦ લાખ કરોડની લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરવાની ઘોષણા કરી હતી અને હવે નવાં પગલાં પણ જાહેર કરવામાં આવ્યા છે તેથી આઇએમએફના અંદાજ મુજબનો વૃદ્ધિદર શક્ય બને તેવી અનુકૂળ સ્થિતિ પણ સર્જાઇ છે.
ટાર્ગેટેડ લોંગટર્મ રેપો ઓપરેશન (ટીએલટીઆરઓ) અંતર્ગત ~૫૦,૦૦૦ કરોડની મદદ માઇક્રો ફાઇનાન્સ સહિતની નાની નાણાંસંસ્થાઓને કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત પવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વેપાર-ઉદ્યોગને હાલના સંકટમાંથી બહાર લાવવા માટે સરકાર પેકેજ આપશે અને બેન્કોમાં નાણાંકીય તરલતા જાળવી રાખવા માટે પણ પૂરતાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
કોરોનાના કારણે વૈશ્વિક વેપારમાં ૩૦ ટકા ઘટાડાની આશંકા છે ત્યારે આરબીઆઇ દ્વારા લિક્વિડિટી સુનિશ્ચિત કરતા પગલાંથી ભારતીય ઉદ્યોગ જગતને રાહત મળશે.તમામ ઉદ્યોગો માટે ધિરાણ સસ્તું બનશે કારણ કે આરબીઆઇએ અગાઉ જ રેપો રેટમાં ૭૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો અને શુક્રવારે રિવર્સ રેપો રેટમાં પણ ૨૫ ટકા ઘટાડો કર્યો છે. ધિરાણ ઉપલબ્ધ બનવાથી ભારતીય ઉદ્યોગો અને ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે વૃદ્ધિ કરવી સંભવ બનશે.નિકાસકારોને પણ ખાસ રાહત આપતાં પગલાં જાહેર કરવામાં આવ્યા છે.
આરબીઆઇએ નાબાર્ડને ~૫૦,૦૦૦ કરોડ અને સિડબીને ~૧૫,૦૦૦ કરોડ અને નેશનલ હાઉસિંગ બેન્કને ~૧૦,૦૦૦ કરોડ આપવાની જાહેરાત કરી છે તે પણ મહત્ત્વની છે.આ કારણે કૃષિ ક્ષેત્ર, ગ્રામીણ વિકાસ, લઘુ અને નાના ઉદ્યોગો તથા હાઉસિંગ સેક્ટરને લાભ થશે.આ પગલાંથી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને પણ રાહતની અપેક્ષા છે.
આરબીઆઇએ એમ પણ જણાવ્યું છે કે ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે બેન્કોએ ડિવિડન્ડ ચૂકવવાની આવશ્યકતા નથી. આમ થવાથી બેન્કો પાસે વધારે મૂડી રહેશે અને આ રકમ તેઓ ધિરાણ માટે ઉપયોગમાં લઇ શકશે. ૩૦ સપ્ટેમ્બર સુધી બેન્કોને ડિવિડન્ડ આપવાની રોક લગાવવામાં આવી છે. લોકડાઉન દરમિયાન બિઝનેસ એક્ટિવિટી અટકી છે ત્યારે નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ની ચિંતા દૂર કરતા આરબીઆઇએ કોઇ લોનને એનપીએ જાહેર કરવાની સમયમર્યાદા પણ ૯૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરી છે. આનો સીધો અર્થ એ છે કે હપ્તાંમાંથી ત્રણ મહિના માટે છૂટ મળી છે તે મોરેટોરિયમના સમયગાળામાં લોન એનપીએ નહીં થાય.
આરબીઆઇએ અટકી પડેલા કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની લોન ૧ વર્ષ સુધી રિસ્ટ્રક્ચર નહીં કરવી પડે એમ પણ જણાવ્યું છે, જેના કારણે ડેવલપરો રોકડનો પ્રવાહ સરળતાથી જાળવી રાખી શકશે. ભંડોળ ઉપલબ્ધ હોવાથી ડેવલપરો પોતાના પ્રોજેક્ટ્સ પૂરા કરી શકશે અને તેના કારણે અર્થતંત્રને લાભ મળશે.આરબીઆઇએ રાજ્યોને એડવાન્સ સુવિધાના માધ્યમથી વધુ ૬૦ ટકા ઉધાર લેવાની પણ છૂટ આપી છે, જે ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. આ રકમનો ઉપયોગ રાજ્યો પોતાની આવશ્યકતા માટે કરી શકશે.૨૦ એપ્રિલથી કોરોનાથી અસરગ્રસ્ત ના હોય તેવા સ્થળોએ ઔદ્યોગિક પ્રવૃત્તિ ધમધમતી થશે અને આર્થિક વૃદ્ધિને વેગ આપતાં પગલાં તથા કોરોનાની અસર ઘટી રહી હોય તેવા દેશોની નવી માંગનો સીધો લાભ ભારતીય ઉદ્યોગોને મળે તેવી અપેક્ષા છે.


