નવી દિલ્હી : દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET-UG પેપર લીક મામલે Supreme Court of India એ કેન્દ્ર સરકાર, શિક્ષણ મંત્રાલય અને (NTA) સામે કડક વલણ અપનાવ્યું છે.કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી કરતાં કહ્યું કે, આટલી ગંભીર ઘટનાની બાદ પણ કોઈ પાઠ શીખવામાં આવ્યો નથી, જે અત્યંત દુઃખદ બાબત છે.
સુપ્રીમ કોર્ટે NTAને સવાલ કર્યો કે અગાઉ કોર્ટના આદેશથી રચાયેલી ‘મોનિટરિંગ કમિટી’નું શું થયું? કમિટીએ અત્યાર સુધી શું ભલામણો કરી અને તેનો રિપોર્ટ ક્યાં છે? કોર્ટે આ મામલે વિગતવાર એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.NEET-UG 2026 પેપર લીક બાદ દાખલ થયેલી અરજીઓમાં NTAની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારો દ્વારા પરીક્ષાની જવાબદારી NTA પાસેથી હટાવી નવી સ્વતંત્ર એજન્સીને સોંપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ કોર્ટની દેખરેખ હેઠળ ફરી પરીક્ષા યોજવાની પણ માંગ ઉઠી છે.
Federation of All India Medical Association (FAIMA) દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ખેલ સમાન છે.અરજદારો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય કમિટી રચવાની માંગ કરવામાં આવી છે. પ્રસ્તાવિત કમિટીમાં સાયબર સિક્યોરિટી નિષ્ણાત અને ફોરેન્સિક વૈજ્ઞાનિકને સામેલ કરવાની પણ ભલામણ કરાઈ છે.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે જ્યાં સુધી નવી સ્વતંત્ર પરીક્ષા સંસ્થા (NEIC) કાર્યરત ન થાય, ત્યાં સુધી NEET-UG 2026ની પુનઃપરીક્ષા ન્યાયિક દેખરેખ હેઠળ લેવામાં આવે.અરજદારો દ્વારા NEET-UG 2026ના સેન્ટરવાઇઝ પરિણામો જાહેર કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે, જેથી કોઈપણ અસામાન્ય પેટર્ન, ગેરરીતિ અથવા સંભવિત ગોટાળાને પારદર્શક રીતે બહાર લાવી શકાય.પેપર લીક જેવી ઘટનાઓને કાયમી રીતે રોકવા અરજીમાં પ્રશ્નપત્રોના ‘ડિજિટલ લોકિંગ સિસ્ટમ’ અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. સાથે જ પરંપરાગત પેન-પેપર મોડને બદલે કોમ્પ્યુટર આધારિત ઓનલાઇન પરીક્ષા પદ્ધતિ અમલમાં મૂકવાની પણ ભલામણ કરાઈ છે.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NTAને મોનિટરિંગ કમિટીની ભલામણો અને અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. ઉપરાંત મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ કે. રાધાકૃષ્ણનને પણ હાઇ પાવર કમિટીના સૂચનોના અમલીકરણ અંગે રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.


