રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૦૯૩.૩૨ સામે ૪૮૪૬૪.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૩૬૫.૫૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૮.૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૮૯.૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૭૮૨.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૧૯૧.૧૦ સામે ૧૪૨૮૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૨૪૯.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૩.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૩૭૪.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તર પર અમેરિકામાં પ્રમુખપદની અનિશ્ચિતતાના અંતે સત્તાવાર રીતે જાહેરાત થઈ જતા આગામી દિવસોમાં વધુ સ્ટીમ્યુલસ પેકેજની આશાએ વૈશ્વિક બજારોમાં આગેકૂચ અને સ્થાનિક સ્તરે ભારતમાં સેરમની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોરોશિલ્ડ કોરોના વેક્સિનના ઉપયોગ માટેની સરકારે મંજૂરી આપી દેતાં આગામી દિવસોમાં વેક્સિનેશનનો પ્રોગ્રામ ઝડપી બનવાના સંકેત સાથે આજે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે વિક્રમી તેજી આગળ વધી હતી. કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર અંતના ત્રિમાસિકની સીઝન શરૂ થઈ રહી હોઈ અને આજરોજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના જાહેર થનારા પરિણામ પૂર્વે આ વખતે આઈટી કંપનીઓના રિઝલ્ટ સારા જાહેર થવાની અપેક્ષાએ આજે ફંડોએ આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આક્રમક લેવાલી કરતાં બીએસઇ સેન્સેકસ ૪૮૮૫૪ પોઈન્ટની વધુ એક નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.
વૈશ્વિક સ્તર પર કોરોના વાઈરસના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારા સામે કોરોનાની વેક્સિનની સફળતાના દાવા વચ્ચે વૈશ્વિક બજારોમાં બે તરફી અફડાતફડીની પરિસ્થિતિ સામે ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈના સતત થઈ રહેલા રોકાણ પ્રવાહથી સેન્સેક્સ – નિફટી ફ્યુચર સતત નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી રહ્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ડિસેમ્બર માસમાં સતત ત્રીજા મહિને ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં જંગી રોકાણ થતાં અને ચાલુ મહિને પણ આગામી કેન્દ્રિય બજેટની તડામાર તૈયારી વચ્ચે આ વખતે ઉદ્યોગ જગતને પ્રોત્સાહનોની અપેક્ષા વચ્ચે ફોરેન ફંડોની સતત ખરીદી ચાલુ રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું હતું.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર ટેલિકોમ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૦ અને વધનારની સંખ્યા ૧૭૬૩ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ ચાલુ રહી છે. એફઆઈઆઈની જંગી ખરીદીને પગલે સેન્સેકસ અને નિફ્ટી ફ્યુચરે ઐતિહાસિક ટોચ બનાવી છે. મારા મતે ડોલર ઈન્ડેક્સની આ જંગી લિક્વિડિટી છે કારણ કે રોકાણકારો ડોલર ઈન્ડેક્સમાંથી નાણાં લઈ રહ્યા છે અને ભારત જેવા ઈમર્જિંગ માર્કેટ્સમાં આ નાણાં ઠાલવી રહ્યા છે અને તેનો તગડો ફાયદો મેળવી રહ્યા છે. બજારમાં એફઆઈઆઈની આગેવાનીમાં લિક્વિડિટી રહેશે ત્યાં સુધી બજારમાં આગેકૂચ ચાલુ રહેવાની શકયતા જોવાઈ રહી છે. આગામી દિવસોમાં બજાર ઘટાડો દર્શાવી શકે છે, પરંતુ એ સિવાય બજારનું માળખું તેજીનું બનેલું છે. વેક્સિનની સફળતા અને એફઆઇઆઇની સતત લેવાલીને કારણે બજાર સતત વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
કોરોનાની મહામારીની અસર વચ્ચે આવતા મહિને કેન્દ્ર દ્વારા રજુ થનારા નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં દેશનો ઉદ્યોગજગત અનેક અપેક્ષા રાખી રહ્યો છે. આગામી નાણાંકિય વર્ષનું બજેટ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ કરનાર છે. કોરોનાને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ઉદ્યોગોમાં ઈન્વેસ્ટમેન્ટ સાયકલ એકદમ ખોરવાઈ ગઈ છે. ફુગાવાનો ઊંચો દર એક મોટું જોખમ છે એટલું જ નહીં દેશના અર્થતંત્રને રિવાઈવ કરવા રસીકરણ મહત્વનું પાસું બની રહેશે દેશના આર્થિક વિકાસને ગતિ આપવામાં ગ્રામ્ય ભારતની મોટી ભૂમિકા જોવા મળી રહી છે. દેશમાં રસીકરણનો કાર્યક્રમ સફળ રહેશે તો આગામી નાણાંકિય વર્ષમાં અર્થતંત્રમાં ગતિ આવવાની દેશના ઉદ્યોગો અપેક્ષા રાખી રહ્યા છે. કોરોનાને કારણે ઉદ્યોગજગત પર પડેલી અસરને કારણે તેઓ સરકાર પાસે વધુ અપેક્ષા રાખી રહ્યા છે જેને ધ્યાનમાં રાખતા આગામી નાણાકીય વર્ષનું બજેટ મહત્વનું બની રહેશે.